(એજન્સી) તિરૂવનંતપુરમ્‌, તા.૩
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષોથી ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢીચુસ્ત લોકો નારાજ થયા છે પણ કેરળનાં મુખ્યમંત્રી વિજયને સબરીમાલા ટેમ્પલને વિનંતી કરતા કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશનો સ્વીકાર કરે અને રાજ્ય સરકાર મહિલાઓ માટે સબરીમાલા ખાતે જરૂરી વ્યવસ્થા ઊભી કરશે.
સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રીમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો. હવે, સબરીમાલા મંદિરના સંચાલકો આ આદેશને સ્વીકારે એ જરૂરી છે. મંગળવારે ૮,૦૦૦ જેટલી મહિલાઓએ સુપ્રીમ કોર્ટનાં આ આદેશ સામે વિરોધ પ્રદર્શન યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શન સ્થાનિક રાજવી પરિવારની આગેવાનીમાં યોજાયો હતો.
સબરીમાલા મંદિરનું સંચાલન ટ્રાવનકી દેવસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જો કે, સુપ્રીમ કોર્ટના આ આદેશ સામે બોર્ડ રિવ્યુ પિટીશન દાખલ કરશે કે નહીં એ વિશે કોઇ ચોખવટ કરી નથી.
જો કે, કેરળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ અંગે સરકારે કોઇ રિવ્યુ પિટિશન દાખલ કરી નથી. મુખ્યમંત્રી પીનારવી વિજયને ચોખવટ કરી છે કે, રાજ્ય સરકાર રિવ્યુ પિટિશન દાખલ નહીં કરે. તેમણે એમ કહ્યું કે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટનાં આ આદેશ બાદ, સબરીમાલા મંદિર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળળવા માટે વ્યવસ્થા કરશે. સુપ્રીમ કોર્ટનાં આદેશને અમે સ્વાકારીએ છીએ અને કોઇ પણ મહિલાને સબરીમાલા મંદિરમાં જતા રોકી શકાશે નહી.