(એજન્સી) કન્નૂર, તા. ર૭
કેરળના થિરૂવનંતપુરમમાંથી સાંસદ સભ્ય અને સિનિયર નેતાની કેરળ કોંગ્રેસની લગભગ સમગ્ર નેતાગીરીએ આકરી ઝાટકણી કાઢતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા બદલ તેમની સામે શિષ્તના પગલાં લેવા માગ કરી છે. થરૂર તથા અન્ય વરિષ્ઠ નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને જયરામ રમેશે એક પુસ્તકના લોન્ચિંગ કાર્યક્રમમાં મોદીનું શાસન મોડલ સંપૂર્ણપણે નકાત્મક સ્ટોરી નથી તેમ જણાવ્યું હતું. સિંઘવીએ પણ રમેશના સૂરમાં સૂર પૂરાવ્યો હતો અને કહ્યું હતું કે, દરેક સમયે મોદીની ટીકાથી મદદ મળશે નહીં. થરૂરે રવિવારે રમેશના કૃત્યનો બચાવ કર્યો હતો અને ટિ્‌વટર પર લખ્યું હતું કે, જયરામ રમેશ ઢંઢેરા કમિટીના સભ્ય છે. શું તેમને પાઠ ભણાવાય ? જ્યારે મોદી સારૂં બોલે કે સારૂં કરે ત્યારે તેમની પ્રશંસા થવી જોઇએ, જેનાથી જ્યારે તેઓ કોઇ ભૂલ કરશે ત્યારે આપણી ટીકાઓને પણ બળ મળશે. બીજી તરફ કેરળ કોંગ્રેસે તેમની સામે બાંયો ચડાવી છે અને આગામી છ વિધાનસભા બેઠકોની તૈયારી કરી છે જેમાં થરૂરના સંસદીય વિસ્તારમાં આવતી વટ્ટીયુરકાવુ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે, આ વિધાનસભા બેઠક પર પાર્ટી ભાજપ સામે પ્રતિષ્ઠાનો જંગ લડી રહી છે. નામ નહીં આપવાની શરતે કેરળના એક સિનિયર નેતાએ કહ્યું કે, આ રાજનીતિ એકદમ સીધી છે. છ બેઠકોની પેટાચૂંટણી દ્વાર ખખડાવી રહી છે ત્યારે મોેદીની પ્રશંસા જેવી વાતો પર ધ્યાન આપવા માગતા નથી. કોંગ્રેસના રાજ્ય પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રન, વિપક્ષના નેતા રમેશ ચન્નીથાલા, વટ્ટીયુરકાવુના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં લોકસભા સાંસદ બનેલા કે મુરલીધરન ઉપરાંત કોંગ્રેસની આગેવાનીવાળી યુડીએફના કન્વીનર બેન્ની બેહાનને થરૂરના નિવેદનને જાહેરમાં વખોડી કાઢ્યું હતું. થ્રિસૂરના કોંગ્રેસ સાંસદ ટીએન પ્રથાપને પણ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આ અંગે પત્ર લખ્યો છે. આ અંગે મુરલીધરને જણાવ્યું હતું કે, જેઓ મોદીની પ્રશંસા કરવા માગે છે તેઓ જઇને ભાજપમાં સામેલ થાય. કેટલાક કોંગ્રેસી નેતાઓ કહે છે કે, મોદીની ટીકા દરમિયાન ક્યારેક તેમની પ્રશંસાની જરૂર છે. આ તમામ કોંગ્રેસના ટોચના નેતાઓ છે. મને આશ્ચર્ય થાય છે તેમને શું થયું છે. ઉલ્લેખનીય છે કે, થરૂર, સિંઘવી અને રમેશના નિવેદનોને બાદમાં ભાજપે વધાવ્યા હતા. કેરળ ભાજપના પ્રવક્તા એસ સુરેશે કહ્યું હતું કે, અમે આને ખુશીના જોગાનુજોગ તરીકે લઇએ છીએ. રાજકીય ચિત્ર બદલાઇ રહ્યું હોવાનું રાજકારણીઓ માની રહ્યા છે. થરૂર જ નહીં પણ આ વલણ કેરળમાં અનેક નેતાઓ ધરાવે છે તેનું ઉદાહરણ અબ્દુલકુટ્ટી છે.

કોંગ્રેસના ભોગે PMની પ્રશંસા ના થાય : કેરળ કોંગ્રેસ

વડાપ્રધાન મોદીની પ્રશંસા બદલ સાંસદ શશી થરૂર કેરળ કોંગ્રેસના આક્રોશનો ભોગ બની રહ્યા છે. તેમણે સલાહ આપી હતી કે, દરેક વખતે મોદીની ટીકા કરવી સારૂં નથી ક્યારેક તેમના સારા કામની પ્રશંસા થવી જોઇએ. કેરળના કોંગ્રેસ નેતા રામચંદ્રને કહ્યું હતું કે, અમે શશી થરૂ પાસેખુલાસો માગવાનું નક્કી કર્યું છે અને તેમના ખુલાસા બાદ આગામી પગલાં નક્કી કરાશે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ભોગે કોઇએ પણ મોદીની પ્રશંસા કરવી જોઇએ નહીં અને તેને પાર્ટી ચલાવી લેશે નહીં. કેરળ કોંગ્રેસના અન્ય સાંસદ કે મુરલીધરને હતાશા સાથે જણાવ્યું હતું કે, કેરળમાં પાર્ટી થરૂરથી ઘણી નિરાશ છે. ભાજપ લઘુમતી વિરોધી છે. તમામ તબક્કાઓના લોકોના સમર્થનને કારણે જ તેઓ સતત ચૂંટાઇ આવે છે. જોકે, થરૂરે સાંજે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ મોદીના સખત ટીકાકાર છે અને પાર્ટીના સાથીઓને અપીલ કરી હતી કે, તેમના વલણને સમર્થન કરે.