(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
વિનાશક પૂરથી તારાજ થયેલા કેરળ માટે ભારત વિશ્વના કોઇ પણ દેશ પાસેથી નાણાકીય સહાય સ્વીકારશે નહીં, એવું સરકારે જણાવતા વિદેશથી સહાય અંગેનો વિવાદ વધુ વધી ગયો છે. વર્તમાન નીતિ મુજબ ભારત સરકાર ઘરેલું પ્રયાસોથી રાહત અને પુનઃવસનની જરૂરિયાતો પુરી કરવા માટે કટિબદ્ધ હોવાનું વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં ગઇ રાત્રેજણાવવામાં આવ્યાના કલાકો બાદ કેરળની ડાબેરી સરકાર તરફથી ઉગ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેરળના નાણા પ્રધાન થોમસ ઇસાકે એવું ટિ્‌વટ કર્યું છે કે ‘આ ખાય નહીં અને ખાવા દે નહીંની નીતિ છે.’ કેરળમાં સદીના સૌથી વિનાશક પૂરે ૮મી ઓગસ્ટથી ૨૪૦થી વધુ લોકોનો ભોગ લીધો છે.
કેરળના પૂર રાહત અંગે મહત્વની ૧૦ માહિતી
૧. સંયુક્ત અરબ અમિરાત (યુએઇ) દ્રારા પૂરગ્રસ્ત કેરળ માટે ૭૦૦ કરોડ રૂપિયાની રાહત સહાયની ઓફર કરાયા બાદ વિદેશી સહાય સ્વીકારવી કે કેમ ? તેના વિશે કેરળ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વિનાશક પૂરમાંથી બહાર આવવા માટે કતર અને માલદીવ્સે પણ કેરળને સહાયની ઓફર કરી છે.
૨. ઓફર નકારતી વખતે સરકારે નિષ્ઠાવાન પ્રશંસા કરીને જણાવ્યું કે એનઆરઆઇ, પીઆઇઓ અને ફાઉન્ડેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી પીએમ રાહત ફંડ અને સીએમ રાહત ફંડમાં ફાળાઓને આવકારવામાં આવશે.
૩. કેરળના નાણા પ્રધાન થોમસ ઇસાકના ટિ્‌વટે તેમની નારાજગીએ સ્પષ્ટતા કરી. અમે કેન્દ્ર સરકાર પાસે ૨૨૦૦ કરોડ રૂપિયાના નાણાકીય ટેકાની માગણી કરી હતી, તેઓએ અમારા માટે ે બહુમૂલ્ય ૬૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા. અમે કોઇ પણ વિદેશી સરકારને કોઇ વિનંતી કરી નથી પરંતુ યુએઇએ સ્વેચ્છિક રીતે ૭૦૦ કરોડ રૂપિયાની રાહત સહાતની ઓફર કરી છે. કેન્દ્ર સરકારે યુએઇની ઓફર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો, વિદેશી સહાય સ્વીકારવી એ અમારી ગરિમાને ઝાંખી પાડવાનું છે. તેમણે એવું ટિ્‌વટ કર્યું કે આ ખાય નહીં અને ખાવા દે નહીં તેવી નીતિ જેવું છે.
૪. મુખ્યપ્રધાન પી.વિજયને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે આ પ્લાન કેન્દ્રને વિદેશી સરકાર દ્વારા ઓફર કરાતી સહાય સ્વીકારની પરવાનગી આપે છે.
૫. નીતિની બાબત હોવાથી ભારત સરકારે હોનારતને પગલે વિદેશી સહાય માટે કોઇ અપીલ જારી કરી નથી પરંતુ જો કોઇ દેશની સરકાર કુદરતી આફતના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ રાખીને એક શુભેચ્છાના સંકેતરૂપે સ્વેચ્છિક રીતે સહાયની ઓફર કરે તો કેન્દ્ર સરકાર આ ઓફર સ્વીકારી શકે છે. ૨૦૧૬માં પ્રસિદ્ધ કરાયેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના એક વિભાગમાં જણાવવામાં આવ્યું છે.
૬. ટોચના ભૂતપૂર્વ રાજદ્વારીઓ શિવશંકર મેનન અને નિરૂપમા રાવે પણ અન્ય દેશો પાસેથી સહાય સ્વીકારવાના સરકારના ઇનકાર સામે પ્રશ્ન કર્યો છે.
૭. ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષઆ સલાહકાર અને વિદેશ સચિવ શિવશંકર મેનને એવું ટિ્‌વટ કર્યું કે મારી યાદદાસ્ત મુજબ ૨૦૦૪માં રાહતમાં વિદેશી સહાય નહીં સ્વીકારવાનું નક્કી કરાયું હતું પરંતુ લાંબા ગાળે પુનર્વસન માટે કેસ મુજબ સહાય લેવાનું વિચાર્યું હતું. રેસ્ક્યુ ટીમોને કોઇ માનવ મદદની જરૂર ન હતી પરંતુ ઘરો, પુલો અને માર્ગો વિગેરેના પુનઃનિર્માણ માટે સહાય લઇ શકાય.
૮. અન્ય ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરૂપમા રાવે જણાવ્યું કે ના કહેવાનું સરળ છે પરંતુ આ કટોકટીમાં કેરળ માટે આ એટલું સરળ નથી.
૯. કેન્દ્રીય પ્રધાન અલ્ફોન્સે સ્વીકાર કર્યો કે કેરળને પુનઃબેઠું કરવા માટે લાખો ડોલરની જરૂર છે પરંતુ તેમણે જણાવ્યું કે તેમની સરકાર સુનામી બાદ ૨૦૦૪માં અગાઉની સરકારની નીતિને અનુસરી રહી છે.
૧૦. ૨૦૧૩માં ઉત્તરાખંડના વિનાશક પૂર દરમિયાન કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે પણ વિદેશી સહાય નહીં સ્વીકારવાનું નક્કી કર્યું હતું.