કન્નુર, તા.રપ
કેરળના ત્રણ યુવકો જે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવા માટે દેશ છોડી સીરિયામાં ટ્રેનિંગ લેવા ગયા હતા એમની પોલીસે કન્નૂરમાંથી ધરપકડ કરી છે. ૪ મહિના સુધી દેખરેખ રાખ્યા પછી પોલીસે ધરપકડ કરી છે. યુવકોની પૂછપરછ કન્નૂરના નાયબ એસ.પી.એ કરી હતી. ત્રણ યુવકોની ઓળખ કરાઈ છે જેમાં ર૬ વર્ષીય મિદિલાજ કે.સી., ર૩ વર્ષીય રશીદ એમ.પી. બન્ને મુંદેરીથી સંબંધ ધરાવે છે અને ર૪ વર્ષીય અબ્દુલરઝાક છે જે એક્કીકુલામથી સંબંધ ધરાવે છે તુર્કીથી ચાર મહિના પહેલા આ ત્રણેય યુવકો દેશમાં પાછા આવ્યા હતા ત્યારથી પોલીસ એમની ઉપર દેખરેખ રાખી રહી હતી. પોલીસે જણાવ્યું કે યુવકો તુર્કી ગયા હતા અને ત્યાં ૩થી ૪ મહિના રહ્યા હતા. સીરિયાની સીમા પાર કરતી વખતે તુર્કી સત્તાવાળાઓ એ એમની ધરપકડ કરી હતી. વલ્લાપટ્ટનમ પોલીસે એમની સામે યુએપીએ કાયદાની કલમ ૩૮ અને ૩૯ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે વધુ ધરપકડો થવાની શક્યતા છે. પોલીસે જણાવ્યું કે આ પહેલો કેસ છે જેમાં આઈએસ સાથે જોડાયા પછી યુવકો દેશમાં પાછા આવ્યા હોય આ પહેલા ર૧ યુવકો કેરળમાંથી આઈએસ સાથે જોડાવા ગયા હતા. જેમાંથી ૭ યુવકોનું અફઘાનિસ્તાનમાં મૃત્યુ થયું હતું. ત્રણ મહિના પહેલા એનઆઈએએ આઈએસના અન્ય સભ્ય શાજહાં વલ્લુના કેન્ડીની દિલ્હી ખાતેના એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી. શાજહાંને તુર્કી સરકારે ભારત પાછો મોકલ્યો હતો. એની પણ ધરપકડ તુર્કીના સત્તાવાળાઓએ સીરિયાની સીમા ઉપરથી કરી હતી. આ યુવક ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરવા માટે સીરિયા જઈ રહ્યા હતા.