National

કેરળમાં બિનહિંદુ સાથે લગ્ન કરનાર હિંદુ મહિલાઓને બંધક રાખવામાં આવે છે

(એજન્સી) તા.૨૭
કેરળ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ એક એફિડેવિટમાં ૨૮ વર્ષની હિંદુ મહિલાએ જણાવ્યું છે કે તેને કોચીના એક યોગ કેન્દ્રમાં ૨૨ દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી કે જેથી તે એક ખ્રિસ્તી વ્યક્તિ સાથે લગ્ન કરી ન શકે. મહિલાએ એવો આક્ષેપ કર્યો છે કે યોગ કેન્દ્રમાં તેના પર શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.
મહિલાએ પોતાના એફિડેવિટમાં એવું પણ જણાવ્યું છે કે આ યોગ કેન્દ્રમાં બીજી ૬૦ મહિલાઓને પણ બંધક બનાવીને રાખવામાં આવી હતી કે જેઓ આંતરધર્મીય યુવાનો સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. અહેવાલો અનુસાર ડો.શ્વેતા નામની આ મહિલાએ યોગ કેન્દ્રમાંથી ભાગ્યા બાદ કેરળ હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. કેરળ હાઇકોર્ટમાં ૨૭ જુલાઇના રોજ ૨૯ વર્ષની રીન્ટો આઇઝેક દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે.
શ્વેતા અને આઇઝેકે મંદિરમાં હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કરાવ્યા બાદ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પોતાના લગ્નની નોંધણી કરાવી હતી. અહેવાલ અનુસાર ડો.શ્વેતાને તેના માતા પિતા દ્વારા કાઉન્સેલિંગ માટે યોગ કેન્દ્રમાં જવાની ફરજ પાડવામાં આવી હતી. શ્વેતાએ જણાવ્યું હતું કે યોગ કેન્દ્રમાં ઘણીવાર તેના હાથ બાંધી રાખવામાં આવતા હતા. તેને બાઇબલ અને કુર્આનની ખામીઓ અંગે જણાવવામાં આવતું હતું. તેને યોગ કેન્દ્રમાં જમીન પર સૂવું પડતું હતું અને ત્યાંના શૌચાલયનો દરવાજો પણ બંધ થતો ન હતો. શ્વેતાના જણાવ્યા અનુસાર ત્યાં કેટલાય વર્ષોથી ઘણી છોકરીઓ બંધક છે અને તેમાંની ઘણી બીમાર પણ છે.
આ યોગા કેન્દ્ર અન્ય ધર્મોના પુરુષો સાથે લગ્ન કરતી હિંદુ મહિલાઓની ઘરવાપસી સુનિશ્ચિત કરવા એક ટોર્ચર કેમ્પ તરીકે કામ કરતંુ હતું. થોડા વર્ષ પહેલા પોતાની જ્ઞાતિ કે સમુદાયની બહાર લગ્ન કરતી પટેલ જ્ઞાતિની યુવતીઓ દ્વારા ગુજરાતમાં પણ આવું અપહરણ અને ગેરકાયદે અટકાયત કેન્દ્ર ચાલતું હોવાનું બહાર આવ્યંુ હતું. રિપોર્ટ અનુસાર શ્વેતાએ જે યોગ કેન્દ્ર વિરુદ્ધ એફિડેવિટ દાખલ કર્યું છે તેનું સ્થાનિક પંચાયતે મનોજ ઉર્ફે ગુરુજી દ્વારા ચલાવવામાં આવતા યોગ શિક્ષણ કેન્દ્રને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. પોલીસે યોગ કેન્દ્રના શ્રીજેશની સોમવારે ધરપકડ કરી હતી. યોગ કેન્દ્રના પ્રમુખ મનોજ સહિત ચાર યોગ ટીચર ફરાર છે.