કન્નૂર, તા. ૧૧
કેરળના કન્નૂરમાં આવેલા પાનૂર પોલીસે દાવો કર્યો છે કે, શહેરમાં આવેલી ભાજપની ઓફિસ પાસેથી એક તલવાર અને ત્રણ દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા છે. આ સામગ્રી સીપીઆઇ-એમની પાનૂરમાં થયેલી રેલી દરમિયાન બોમ્બ હુમલા બાદ મળી આવ્યા છે. આ વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મીઓ ઉપરાંત અન્ય પાંચ સીપીઆઇ-એમના કાર્યકરો ઘવાયા હતા. પોલીસે આ ઘટનામાં ભાજપ-આરએસએસના ૧૦ કાર્યકરોને હિરાસતમાં લીધા હતા. તેઓએ તેમની પાસેથી કેટલાક વાહનો અને મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા. ભાજપ-આરએસએસના ટોળા દ્વારા કથિત રીતે સીપીએમની રેલી પર હુમલાની ઘટના બાદ સઘન તપાસ કરાઇ હતી. આ વિસ્ફોટ સીપીએમની પાનૂરમાં રવિવારે નીકળેલી રેલી દરમિયાન કરાયો હતો. હુમલા બાદ ભાજપ અને સીપીએમ બંનેએ એકબીજા પર હિંસા ફેલાવાના આરોપ લગાવ્યા હતા. જ્યારે તાજેતરમાં જ કેરળની સરકાર પર પ્રહાર કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં ભાજપ અને આરએસએસના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે, સીપીએમના નેતા અત્યુતાનંદે આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે, હિંસા ફેલાવી ભાજપ અને આરએસએસ રાજ્યમાં પોતાની હાજરી દર્શાવવા પ્રયાસ કરી રહ્યા છે. કેરળમાં ભાજપ અને આરએસએસના કાર્યકરોની હત્યાઓ વિરૂદ્ધ ભાજપની જનરક્ષા યાત્રામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા.