(એજન્સી) તિરૂવંનતપુરમ, તા.૩૧
એક અભૂતપૂર્વ ઘટનાના ભાગરૂપે કેરળના રાજ્યપાલ પી.સદાશિવમે રવિવારે મુખ્યમંત્રી પિનારાયી વિજયનને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા કરવા રાજભવન બોલાવ્યા હતા. બે દિવસ પહેલાં તિરૂવનંતપુરમમાં સંઘના કાર્યકર્તાની ઘાતકી હત્યા કરાઈ હતી. રાજ્યપાલે આ ઘટના સંદર્ભે રાજ્યના પોલીસ વડા લોકનાથ બેહરા સાથે પણ રાજભવન ખાતે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સંઘના કાર્યકરની હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એમની સામે સખ્ત પગલાં લેવામાં આવશે. રાજભવન દ્વારા બહાર પડાયેલ નિવેદનમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી ભાજપ અને સંઘના વડાઓ સાથે પણ મળશે. શનિવારે રાત્રે ૯ વાગે ૩૪ વર્ષીય સંઘનો કાર્યકર શાખામાં હાજરી આપી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એમની ઉપર હુમલો કરાયો હતો અને ચપ્પાના ઘા મારી હત્યા કરાઈ હતી. આના વિરોધમાં ભાજપાએ રવિવારે બંધનું એલાન આપ્યું હતું. આ પહેલાં ગૃહમંત્રી રાજનાથસિંહે પણ વિજયન સાથે ફોન ઉપર વાત કરી હતી અને હાલમાં થઈ રહેલ રાજકીય હત્યાઓ બાબત સખ્ત પગલાં લેવા તાકીદ કરી હતી. દરમિયાનમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે અને એકની ધરપકડ કરી છે. તપાસ અધિકારીઓ જણાવે છે કે આ રાજકીય પ્રેરિત હત્યા નથી પણ આંતરિક દુશ્મનાવટનું પરિણામ છે. સીપીઆઈના સેક્રેટરીએ પણ જણાવ્યું છે કે આ હત્યા સાથે અમારા પક્ષને કોઈ સંબંધ નથી. આ હત્યાથી ભાજપ અને સીપીઆઈ વચ્ચે તંગદિલી વધી છે. ભાજપાના રાજ્યની રાજધાનીમાં આવેલ વડામથકે હુમલો કરાયો હતો. જેના લીધે બદલો લેવા માટે ભગવા તરફી દળોએ બાલાકિશ્નનના પુત્ર બિનીશના ઘરે હુમલો કર્યો હતો. રવિવારે અપાયેલ બંધના એલાનના લીધે હજારો પ્રવાસીઓ રેલવે અને બસ સ્ટેન્ડો ઉપર અટવાયા હતા.