(એજન્સી) તિરૂવનંતપુરમ્‌, તા.૯
કેરળના અલગ-અલગ વિસ્તારમાં ગુરૂવારે ભારે વરસાદ અને ભુસ્ખલનનની ઘટનાઓમાં લગભગ ૨૦ લોકોના મોત નિપજ્યા છે. આપદા નિયંત્રણ કક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડુક્કીમાં ભૂસ્ખલનમાં ૧૦, મલપ્પુરમમાં પાંચ, કન્નૂરમાં બે અને વાયનાડ જીલ્લામાં ૧નું મોત નિપજ્યું છે. વાયનાડ, પલક્કડ અને કોઝિકોડ જીલ્લામાં એક-એક વ્યક્તિ લાપતા છે.
ઈડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. પોલીસ તથા સ્થાનિક લોકોએ કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા છે. ઈદામાલયર ડેમથી આજે સવારે લગભગ ૬૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું, જેથી જળસ્તર ૧૬૯.૯૫ મીટર પર પહોંચી ગયું. ઈડુક્કી ડેમમાં આજે સવારે આઠ વાગ્યા સુધી જળ સ્તર ૨૩૯૮ ફૂટ હતુ જે જળસ્તર પૂર્ણ સ્તરના મુકાબલે ૫૦ ફૂટ વધારે હતું. તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
કોઝિકોડ અને વાયનાડ જીલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે રાષ્ટ્રીય આપદા મોચન બળ (એનડીઆરએફ)ની એક ટીમ કોઝિકોડ પહોંચી ગઈ છે. કેન્દ્રથી ઉત્તર કેરળ માટે બે ટીમ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. વરસાદના કારણે ઈડુક્કી, કોલ્લમ અને અન્ય જીલ્લામાં શૈક્ષિક સંસ્થાઓમાં ગુરૂવારે જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
આ સાથે પેરિયાર નદીનું જળસ્તર વધી જવાના કારણે વધુ પાણી છોડવા માટે ઈદમલયાર ડેમના ચાર દરવાજાને ગુરૂવારે ખોલી દેવામાં આવ્યા છે. ઈર્ણાકુલમ જીલ્લા પ્રશાસનના અધિકારીઓએ કહ્યું કે,પાણી છોડવાના કારણે આ વિસ્તારોમાં મુશ્કેલીની આશંકાને જોતા ચોરીનક્કારા, અને કોમબનાદ ગામમાં રાહત શિબિર ખોલવામાં આવી છે.
કેરળ રાજ્યના આપદા પ્રબંધન પ્રધિકરણ અધિકારીઓએ જણાવ્યું કે, પેરિયાર નદીના તટ પર રહેતા લોકોએ ગભરાવવાની જરૂરત નથી ડેમનો દરવાજો સવારે પાંચ કલાકે, ૬ કલાકે અને આઠ કલાકે ખોલવામાં આવ્યો. વધારે જળ સંગ્રહ થતા ડેમના દરવાજા ૧ મીટર ખોલવામાં આવ્યા.
અધિકારીઓએ જળાશયમાં જળસ્તર ૧૬૮.૨૦ મીટર ગયા બાદ ઈદમલયાર ડેમ પર ગઈકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ૧૬૪ ક્યૂમેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયનને કહ્યું કે, અમે સેના, નૌસેના, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફ પાસે મદદ માંગી છે.
હવામાન વિભાગે મધ્ય પ્રદેશનાં જે જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવેલ છે તેમાં રીવા, સતના, સિંગરૌલી, સીધી, પન્ના, છતરપુર, ટીકમગઢ, સાગર, દમોહ, અનુપપૂર, શહડોલ, ડિંડૌરી, ઉમરિયા, મંડલા, બાલાઘાટ, નરસિંહપુર, જબલપુર, કટની, સિવની, છિંદવાડા, બૈતૂલ, અશોકનગર, ભોપાલ, રાયસેન અને હોશંગાબાદ સહિતનાં જિલ્લાઓ શામેલ છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ તોફાને ચડી છે. નેપાળનાં વાલ્મીકિ બૈરાજે એક લાખ ૭૫ હજાર ક્યૂસેક પાણી છોડવા પર, પહાડી અને મેદાની ક્ષેત્રોમાં સતત વરસાદ થવાથી નદીઓનું જળસ્તર વધી ગયું છે. ઘાઘરા નદી ખતરાનાં નિશાનને પાર કરી ગઇ. ગોરખપુરનાં અનેક ગામડાંઓમાં પૂર જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.

કોચિન એરપોર્ટની અંદર ભરાયું પાણી
કોચીન એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું કે, કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટના અંદર સુધી પાણી ભરાઇ ગયું છે. જેના કારણે એરપોર્ટને અમુક સમય માટે બંધ કરવામાં આવ્યું છે. ખતરાનો ભય હોવાથી એરપોર્ટની આસપાસ પાર્કિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે આગામી સૂચના સુધી અન્ય એરપોર્ટથી કોઈ પણ પ્રકારના ડાઇવર્ઝન માટે પણ મંજૂરી આપવામાં આવી નથી.
મધ્યપ્રદેશનાં ૨૮ જિલ્લામાં ભારે વરસાદને લઇ હાઇએલર્ટ
મધ્યપ્રદેશમાં ૧૨ દિવસોનાં લાંબા સમય બાદ એક વાર ફરી મોન્સુને ભારે દસ્તક આપી છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યનાં ૨૮ જિલ્લામાં ભારે વરસાદને લઇને હાઇ એલર્ટ જાહેર કરેલ છે. હવામાન વિભાગનું કહેવું એમ છે કે આગામી ૨૪ કલાકોમાં ભારે વરસાદનો સિલસિલો સતત શરૂ રહેશે. રાજધાની ભોપાલ, રાયસેન, હોશંગાબાદ, વિદિશા, સીહોર અને હરદા જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.