અમદાવાદ,તા.ર૭
કેરળમાં આવેલ ભીષણ તથા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવી રહ્યો છે. ડિવિઝન રેલવે મેનેજર દિનેશ કુમારે જણાવ્યું કે ડિવિઝનના ગાંધીધામ વિસ્તારના સામાજિક સંગઠનો તથા વેપારી સંગઠનો દ્વારા ૧પ ટન રાહત સામગ્રી એકત્રિત કરવામાં આવી છે તથા તેને ૧૯૪ર૪ ગાંધીધામ-તિરૂનેલવેલી હમસફર એક્સપ્રેસ દ્વારા કેરળના અલાપ્પુઝા, કોઝીકોડના જિલ્લા કલેક્ટરોને મોકલવામાં આવી છે. આ રાહત સામગ્રીમાં ધાબળા, ફેસ તથા બાથ ટુવાલ, શાલ, ક્લિનિંગ મટીરિયલ, હાઉસ હોલ્ડ કિટ્‌સ, સાડીઓ, બેડશીટ, લુંગી, ડાયપર્સ, શોલાપુરી ચાદરો, સ્ટીલના ગ્લાસ પ્લેટ તથા બાઉલ, મિલ્ક પાવડર, મિનરલ વોટર, તુવેરદાળ, ચોખા, બિસ્કીટ તથા દવાઓ મોકલવામાં આવી છે. જેથી પૂર પીડિતોને તાત્કાલિક રાહત મળી શકે. આ મુજબ કચ્છ જિલ્લાના વેલસ્પૂન ગ્રુપ, સુજલોન ગુજરાત વિંડ પાર્ક, સુજલોન સ્ટ્રક્ચરર્સ લિમિટેડ, ગાંધીધામ મર્કન્ટાઈલ કો.ઓપરેટીવ બેંક, પી જે વૈધ્ય, શશી ગુપ્તા, સ્વામિનારાયણ મંદિર ભૂજ, માતાનો મઢ મંદિર જાગીર ટ્રસ્ટ, સર્વસેવા સંઘ ભૂજ, તારાચંદ છેડા, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ વાયોર તથા ઈન્ડિયન મેડિકલ એસોસિએસન કચ્છ દ્વારા સક્રિય સહયોગ આપીને રાહત સામગ્રી એકત્રિત કરવામાં આવી છે. જેથી કેરળના પૂર પીડિતોને પૂરતી રાહત મળશે. અગાઉ પણ ડિવિઝન દ્વારા રાહત સામગ્રી વિનામૂલ્યે મોકલવામાં આવી હતી.