(એજન્સી) તા.ર૯
રવિવારે કેરળના રહેવાસી કેવિન પી. જોસેફના અપહરણ અને હત્યા સાથે કેરળ પોલીસની છબિ વધારે ખરડાઈ હતી જ્યારે સોમવારે પોલીસને ખબર પડી કે કેટલાક બાહ્ય પરિબળોના કારણે તેમના અધિકારીએ સક્રિય રીતે અપહરણકર્તાઓને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો ત્યારે તે વધારે મુંઝવણમાં મૂકાઈ હતી. અહેવાલો પ્રમાણે કેવિન ઓનર કિલિંગનો ભોગ બન્યો હતો. આ યુવકે ર૪ મેના દિવસે નીનુ ચાકો નામની યુવતી સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા. તેમણે આ પગલું યુવતીના પરિવારની મરજી વિરૂદ્ધ ભર્યું હતું. લગ્ન પછી કેવિન તરત તેના એક સંબંધીના ઘરે ચાલ્યો ગયો હતો. રવિવારે વહેલી સવારે તેને ઘરમાંથી બહાર ખેંચી કાઢી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. સોમવારની સવારે કોલ્લામના થેનમાલામાં આવેલી એક કેનાલ નજીક તેની લાશ મળી હતી. આ સ્થળ નીનુના ઘરની નજીક છે. નીનુએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના પતિને ન શોધવા માટે પોલીસે મુખ્યમંત્રી પિનારાઈ વિજયના જાહેર કાર્યક્રમનું બહાનું કર્યું હતું.