(એજન્સી) સબરીમાલા (કેરળ), તા, ૧૫
કેરળના સબરીમાલા મંદિરમાં બધી વયની મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં મંદિરમાં બધી વયની મહિલાઓ પ્રવેશ કરી શકશે કે કેમ ? તેના વિશે કેરળમાં વિવાદ ચાલુ છે ત્યારે ૧૭મી નવેમ્બરે શુક્રવારે સબરીમાલા મંદિર ખોલવામાં આવશે. સબરીમાલા મંદિરમાં બધી વયની મહિલાઓના પ્રવેશ અંગેના વિવાદ વિશે ચર્ચા કરવાના ઉદ્દેશ સાથે કેરળના મુખ્યપ્રધાન પી.વિજયન દ્વારા ગુરૂવારે યોજવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાંથી કોંગ્રેસ અને ભાજપ વોકઆઉટ કરી ગયા હતા. કોંગ્રેસ અને ભાજપે સરકારને સુપ્રીમકોર્ટ પાસેથી તેનો ચુકાદો લાગુ કરવા માટે વધુ સમય માગવાનું કહ્યું છે પરંતુ કેરળ સરકાર સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવા માટે અડીખમ છે. સર્વપક્ષીય બેઠકમાંથી કોંગ્રેસ અને ભાજપે વોકઆઉટ કરી ગયા બાદ મુખ્ય પ્રધાન પી.વિજયને જણાવ્યું કે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે કોઇ ખાસ દિવસો નક્કી કરી શકાય છે કે કેમ ? એ બાબતે આપણે ચર્ચા કરવાની છે. તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓની ભાવનાઓનો આપણે આદર કરીએ છીએ પરંતુ સુપ્રીમકોર્ટના આદેશની વિરૂદ્ધમાં રાજ્ય સરકાર કોઇ વલણ લઇ શકે નહીં. કેરળ સરકારે મંદિરમાં મહિલાઓના પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે કેટલાક નિયમ બનાવવાના સંકેત આપ્યા છે. દરમિયાન, સૂત્રોના જણાવ્યા મુજબ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે કેરળ સરકાર કેટલાક નિયમ બનાવવા અંગે વિચારણા કરી રહી છે. તેમાં એક વિકલ્પ એવો પણ છે કે મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે અલગ દિવસો જ નક્કી કરી દેવામાં આવે. સર્વપક્ષીય બેઠકમાંથી કોંગ્રેસ અને ભાજપના વોકઆઉટ કરી ગયા બાદ પિનરાઇ વિજયનની ડાબેરી સરકાર પાસે મર્યાદિત વિકલ્પ જ બચ્યા છે. કોંગ્રેસ અને ભાજપ આ મુદ્દા અંગે મંદિરની પરંપરાઓનું પાલન કરવાના તર્ક આપી રહ્યા છે. બીજીબાજુ ડાબેરી સરકાર પર સુપ્રીમકોર્ટનો આદેશ અમલમાં મુકવાનું દબાણ છે.
શુક્રવારથી શરૂ થઇ રહેલા પર્વ પહેલા પ્રશાસન તરફથી મંદિરને સંપૂર્ણપણે કિલ્લામાં તબ્દીલ કરવાની તૈયારી છે. રાજ્યના ૨૧ હજાર પોલીસકર્મીઓને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવશે. સબરીમાલા મંદિરમાં પહેલી વાર આટલી જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અગાઉ, કેરળના મુખ્યપ્રધાને સબરીમાલા મંદિર ખાતે અશાંતિ સર્જવાનો ભાજપ અને આરએસએસ સામે આરોપ મુક્યો હતો.