(એજન્સી)
થિરુવંતપુરમ,તા.૧૬
કેરળમાં બીજી સિઝનમાં પડેલા સતત ૨૪ કલાક વરસાદને કારણે ચાર લોકોનાં મોત નિપજ્યા છે. નવ જુલાઈ સુધીમાં ૧૧ લોકોના વરસાદને લીધે મોત થયા છે. વરસાદને લીધે બનતી ઘટનાઓ પર નજર રાખતા વિભાગે જણાવ્યું હતું.
ભારે વરસાદને કારણે થિરુવંતપુરમ, કૉલ્લમ, પથાનામથીટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયામ, ઇડુક્કી, ઇરનાકુલમ અને થ્રિસુર જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજો બંધ કરાવવામાં આવી હતી. ભારે વરસાદને લીધે રેલવે અને રોડ પર પાણી ભરાયા હતા. અને ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કેરલા યુનિવર્સિટીએ તેમની બધી પરીક્ષાઓ આગળ ખસેડી હતી. છેલ્લા ૩૬ કલાકથી બધા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજીપણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તટીય જિલ્લાઓને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરી છે. મોટાભાગના નીચાણવાળા વિસ્તારનો રોડ ધોવાઈ ગયો છે. આશરે આઠ પેસેન્જર ટ્રેનો કેન્સલ થઈ હતી જયારે કેટલીક ટ્રેનો મોડી પડી હતી. પહાડ પર આવેલ ઇદુક્કી જિલ્લાના ભૂસ્ખલનને લીધે આશરે ૨૦૦૦ પરિવારોને ૪૬ રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા.