(એજન્સી) બેંગ્લુરૂ, તા.૬
બેંગ્લુરૂમાં રહેતી એક યુવતીને તેના ખ્રિસ્તી પ્રેમી સાથે લગ્ન કરતી અટકાવવા માટે યોગ કેન્દ્રમાં કેદ રાખી માર મારવામાં આવ્યો હતો. કેરળના અર્નાકુલમમાં આવેલ શિવશક્તિ યોગવિદ્યા કેન્દ્રમાં યુવતી વંદનાને ૩૧ દિવસ સુધી બંધી બનાવી માર મારવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ જ યોગ કેન્દ્ર વિરૂદ્ધ ગત મહિને બે મહિલાઓએ આ જ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી. તેમના પર પણ અન્ય ધર્મના પ્રેમીઓ છોડવા માટે દબાણ કરવામાં આવ્યો હતો. બન્ને મહિલાઓના આરોપ મુજબ કેન્દ્રમાં અન્ય ૬૦ યુવતીઓને પણ આ જ કારણસર ત્રાસ અપાતો હતો. ૩ ઓક્ટોબરના રોજ લાઈફ સાયન્સ કંપનીમાં કામ કરતી વંદનાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેને માર્ચ અને મે દરમિયાન ૩૧ દિવસ સુધી કેન્દ્રમાં બંધી બનાવવામાં આવી હતી તેના પર હિન્દુ યુવક સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. યોગ કેન્દ્રમાં વંદનાને તેના જ વાલીઓએ ખોટી રીતે મોકલી હતી. વંદનાનો પ્રેમી ખ્રિસ્તી હોવાથી તેના માતા-પિતા તેના સંબંધનો વિરોધ કરી રહ્યા હતા. તેના માતા-પિતાએ વંદનાને જુઠ્ઠું કહ્યું હતું કે, તેઓ તેની સાથે કેરળ ફરવા માંગે છે. બાદમાં તેઓ તેને તેની માના ઘૂંટણની સારવાર માટે યોગ કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં તેને રૂમમાં બંધ કરી હિન્દુ સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું તેમજ તેને છોડવા માટે શરત મૂકી હતી કે કાં તો તેનો પ્રેમી હિન્દુ ધર્મ સ્વીકારે અથવા તો તે હિન્દુ સાથે લગ્ન કરે. તેણે ઘણી વખત ભાગવાનો પ્રયાસ કર્યો પણ તેને માર મારવામાં આવતો હતો. વંદનાએ કેન્દ્રના ડાયરેકટર મનોજ ગુરૂજી, કો-ઓર્ડિનેટર શ્રૃતિ અને કાઉન્સિલર સ્મિતા, સુજીત અને લક્ષ્મી પર આરોપ મૂક્યો હતો. બાદમાં કોઈ એક હિન્દુ યુવક તેને આ જાળમાંથી બહાર કાઢવા મદદ કરી હતી. યુવકે તેની સાથે લગ્ન કરી તેને કેદમાંથી મુક્ત કરાવી હતી. તેઓએ છૂટાછેડા માટે અપીલ કરી છે. બાદમાં તે તેના મનપસંદ ખ્રિસ્તી સાથી સાથે લગ્ન કરશે. પોલીસે કેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.