(એજન્સી) ભોપાલ, તા.પ
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે જણાવ્યું કે રાજ્ય સરકાર ૧પ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કુંભ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓનો વીમો કરાવવા વિશે વિચારી રહી છે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વીમા પર પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મૌર્યએ જણાવ્યું કે કુંભ મેળામાં સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે કુંભ મેળામાં આવનારા ભક્તોના વીમા કરાવવાની દિશામાં વિચાર કરી રહ્યા છીએ. તેમણે વર્ષ-ર૦૧૩માં કુંભ મેળા દરમ્યાન થયેલી દુર્ઘટનાને દુઃખદ બતાવતા જણાવ્યું કે હું તે જ પ્રયાગરાજમાં અનેક કુંભ મેળા જોઈ ચૂક્યો છુ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખત જેવી તૈયારી છે કોઈપણ શ્રદ્ધાળુને ઈજા પણ નહીં થાય. કોઈ અસુવિધા નહીં હોય. આ વિશ્વાસ રાખીને તમે સહપરિવાર આવો. એક અન્ય પ્રશ્નના જવાબમાં મૌર્યએ જણાવ્યું કે કુંભ મેળામાં કોઈ ભક્ત પોતાના પરિવારથી છૂટો ના પડે તેના માટે પણ અમે તમામ વ્યવસ્થા કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ-ર૦૧૩માં અલ્હાબાદ કુંભ મેળામાં નાસભાગથી અનેક લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. મૌર્યએ જણાવ્યું કે હું આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સાથે ભોપાલના વલ્લભ ભવન સચિવાલયમાં મળ્યો અને કુંભ આવવા માટે કમલનાથ સહિત મધ્યપ્રદેશની ૭.પ કરોડ જનતાને આમંત્રણ આપ્યું. તેમણે જણાવ્યું કે આ દરમ્યાન કમલનાથે કુંભ મેળામાં મધ્યપ્રદેશનું એક્ઝિબિશન લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મૌર્યએ જણાવ્યું કે કુંભ મેળામાં આ વખત ૧૯ર દેશોનું પ્રતિનિધિત્વ થશે. કુંભ માટે ૧.ર૦ લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સંપૂર્ણ મેળો સીસીટીવીની નજર હેઠળ હશે. કુંભ માટે ૪૩૦૦ કરોડ રૂપિયાનું બજેટ છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત દેશના તમામ રાજ્યોના લોકોને કુંભ મેળામાં આવવાનું આમંત્રણ મોકલ્યું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મૌર્યએ જણાવ્યું કે રામલલ્લાની જન્મભૂમિ પર ટૂંક જ સમયમાં ભવ્ય મંદિર બનશે. અદાલતના નિર્ણયની રાહ છે તમામ પાર્ટીઓએ ન્યાય પ્રક્રિયામાં અડચણ ઊભી કરવાના સ્થાને સહયોગ કરવો જોઈએ.