(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.રપ
કેશોદ તાલુકાના મેસવાણ ગામે પાટીદાર સમાજમાં બેસણું રાખવામાં આવેલ હતું. જેમાં રેશમા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાયા છે તેને ગદ્દાર ગણાવી જૂતાનો હાર પહેરાવી બેસણું રાખી રામધૂન બોલાવીને મેસવાણ પાટીદાર સમાજે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. મેસવાણ ગામે પાટીદાર સમાજના લોકો દ્વારા રાખવામાં આવેલ રેશમા પટેલ અને વરૂણ પટેલના બેસણામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રેશમા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાયા બાદ કેશોદ શહેર અને તાલુકા પંથકમાં ફાટી નીકળેલા રોષમાં મેસવાણ ગામના લોકોએ જોડાઈને રેશમા પટેલ અને વરૂણ પટેલને ગુજરાતના પાટીદાર સમાજના ગદ્દારો ગણાવ્યા હતા. મેસવાણ ગામે રાત્રીનાં સમયે યોજાયેલા બેસણામાં ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો કે પાટીદાર સમાજે જેને મોટા કર્યા તે લોકો ગદ્દાર નીકળ્યા છે અને તેમને ગામમાં પગ મૂકવાની જગ્યા પણ નહીં આપવામાં આવે અને જો પાસના કન્વીનર આવી ગદ્દારી કરશે તો તેને પણ ખુલ્લા પાડી જાકારો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં કેશોદ પાસ કન્વીનર ભરત લાડાણી, પાટીદાર સમાજના કાર્યકરો તથા મેસવાણ પાટીદાર સમાજના આગેવાનો, જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.