(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૦
કેશોદમાં વ્યાજના પૈસાની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે કેશોદમાં દીપક ટોકિઝવાળી શેરીમાં રહેતા મુકેશભાઈ છગનભાઈ ચોવટિયા (ઉ.વ.૩પ)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને ધંધામાં ખોટ આવતા અને રૂપિયાની જરૂર પડતા એભાભાઈ કરશનભાઈ મૂળિયાશિયા પાસેથી અલગ-અલગ તારીખે ત્રણ ટકા વ્યાજે કુલ રૂા.૧૮ લાખ હતા જે રકમ વ્યાજ સહિત રૂા.રર.૭૮ લાખ ચૂકવી આપેલ હોય તેમ છતાં આરોપીએ ફરિયાદી પાસે બમણું વ્યાજ ગણી રૂા.૧.૪૦ લાખની માગણી કરી આરોપી એભાભાઈ કરશનભાઈ મૂળિયાશિયા, કરણ ઓડેદરા, દુષ્યંતસિંહ, ભરત કોઠડી વગેરેનાઓએ ફરિયાદી પાસે અવાર-નવાર વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી ફરિયાદી તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ એટલું જ નહીં ફરિયાદીના માલિકીના કારખાનામાં બળજબરીપૂર્વક તાળા મારી ચાવી લઈ જઈ ગુનો કરતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદના પીએસઆઈ પી.બી.લક્કડ ચલાવી રહ્યા છે.