(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનાં પોતાનાં ગઢમાં આણંદ જિલ્લામાં આણંદ નગરપાલિકાનાં કાઉન્સિલર અને વિપક્ષનાં દંડક કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે.
આણંદ નગરપાલિકાનાં વોર્ડ નં.૧૧નાં કોંગ્રેસનાં કાઉન્સીલર અને વિપક્ષનાં દંડક કેતન બારોટ આજે કોંગ્રેસ છોડી પોતાનાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાઈ જતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ અને સાંસદ મિતેશ પટેલએ તેઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.
કેતન બારોટ પોતાનાં ટેકેદારો સાથે વાજતે ગાજતે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા,અહિયાં કેતન પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ પન્નાબેન રાવલ,પાલિકાનાં પૂર્વ કાઉન્સિલર મહેરુન્નીશા વ્હોરા એડવોકેટ, રીનાબેન પટે એડવોકેટ,તારાબેન ચાવડા,કંચનબેન ગઢવી,સામાજીક કાર્યકર ફાલ્ગુનીબેન પટેલ,અને અનીતાબેન,નિરજ વસાવાને ભાજપનાં જિલ્લા પ્રમુખ અને પદાધિકારીઓ દ્વારા ભગવો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેસ આપ્યો હતો.
કેતન બારોટ પોતાની સાથે આવેલા ૫૦ જેટલા યુવાનોને સાથે લીધા વિના ભાજપ કાર્યલયમાં પ્રવેસી જઈને ભાજપમાં જોડાઈ ગયા હતા જયારે સાથે આવેલા યુવાનોને યાદ પણ નહી કરતા ભાજપમાં જોડાવવા માટે કેતન બારોટની સાથે આવેલા યુવાનો ભાજપમાં જોડાયા વિના જ ભાજપ કાર્યાલયથી જ પરત ચાલ્યા ગયા હતા,જેને લઈને કેતન બારોટ યુવાનોને મનાવવા દોડી ગયા હતા.