(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૮
છાણી સ્થિત જર્જરીત પાણીની ટાંકી જોખમી હોવાથી સ્થાનિકોની અવાર-નવાર રજૂઆતો બાદ આખરે તંત્ર જાગ્યુ હતું. અમદાવાદમાં પાણીની જર્જરીત ટાંકી પડવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા તાત્કાલીક આ ટાંકી ઉતારવા માટે મુંબઇથી કેટર પીલર મશીન મંગાવી ટાંકી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શહેરના છાણી વિસ્તારમાં ૪૮ વર્ષ જુની જર્જરીત ટાંકી આવેલી છે. આ ટાંકી કોઇપણ સમયે પડી જાય તેવી સ્થિતિ હોવાથી છેલ્લાં કેટલાક સમયથી સ્થાનિકો કોર્પોરેશનનાં અધિકારીઓને અવાર નવાર રજુઆતો કરી હતી. દરમિયાન અમદાવાદમાં જર્જરીત ટાંકી પડવાને ઘટના બાદ તંત્ર એકશનમાં આવ્યું હતું. અને આજથી છાણી વિસ્તારમાં આવેલી જર્જરીત ટાંકી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુંબઇથી મંગાવેલા કેટર પીલર મશીનથી કામગીરી શરૂ કરાતા વિસ્તારમાં રહીશોના લોકટોળા સ્થળ પર એકઠા થઇ ગયા હતા. કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના બને નહીં તે અંગે તમામ તકેદારી રાખી સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.