(એજન્સી) ન્યુયોર્ક, તા.ર૧
અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, દેશમાં ભાગલાવાદી રાજકારણ શરૂ થયું છે. ટાઈમ સ્કવેર ખાતે એકઠા થયેલા લોકોને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં વધતી જતી અસહિષ્ણુતા અંગે વિદેશમાં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. કેટલીક કોમવાદી તાકાતો દેશને તોડી પાડવા ઈચ્છે છે. જેનાથી વિદેશોમાં ભારતની છબિ ખરાબ થઈ છે. ભારત શાંતિ માટે જાણીતો દેશ છે. તેવી સ્થિતિમાં વધતી જતી અસહિષ્ણુતાનો મુદ્દો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નહેરૂ, પટેલ, ગાંધી તમામ એનઆરઆઈ હતા. તેમણે ભારત પરત ફરી દેશ માટે કામ કર્યું. અગાઉ પ્રિસ્ટનમાં બોલતાં રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતાં કહ્યું કે, બેરોજગારીની સમસ્યાના કારણે ટ્રમ્પ અને મોદી જેવા નેતાઓ સત્તા પર આવ્યા. રોજગારના અવસર ઊભા ન થતાં યુપીએ સરકાર હારી હતી. હવે મોદી સામે બેકારોની નારાજગી વધી છે. બેકારીની સમસ્યા ઉકેલવાના બદલે ભારતમાં ધ્રુવીકરણની રાજનીતિ એક પડકાર છે. વર્તમાન ભાજપ સરકાર સાથે લઘુમતી અને આદિવાસી સંમત નથી. આગામી દિવસોમાં ભારત-ચીનના પ્રદર્શન નક્કી કરશે કે દુનિયા કેવી રીતે નવું રૂપ લઈ રહી છે. ખેતી પ્રધાન દેશો આધુનિક શહેરી મોડેલના રૂપમાં બદલાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં ર હજાર લોકોએ ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ ડૉ.વર્ગીસ કુરિયનને યાદ કરી કહ્યું કે, તેમણે સ્વદેશ આવી શ્વેતક્રાંતિ કરી. ૩૦ હજાર બેકાર યુવાનો રોજ નોંધાય છે જ્યારે ૪પ૦ને જ રોજી અપાય છે. હાલની સરકાર આર્થિક વિકાસ માટે પ૦થી ૬૦ મોટી કંપનીઓ પર ધ્યાન આપે છે તેનાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. હજારો વર્ષોથી ભારત દેશ શાંતિ અને સહિષ્ણુતા માટે જાણીતો છે. વડાપ્રધાન મોદી રોજગારી ઊભી કરવાના ક્ષેત્રે કોઈ પ્રયાસ કરતા નથી. તેથી લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ઈન્ડિયન નેશનલ ઓવરસિઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોએ ભારતને વિભાજિત કરવાવાળી તાકાતોની સામે ઊભા થવું જોઈએ. રાહુલ ગાંધીને સાંભળવા મોટી સંખ્યામાં ભારતીય એનઆઈઆર યુવકો ઉમટી પડ્યા હતા.
મોદી સરકાર ડેમેજ કન્ટ્રોલ મૂડમાં આવી : નવી નોકરીઓને પ્રાથમિકતા
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
નોકરીની કમીને લઇને વિપક્ષના ટાર્ગેટ પર રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ડેમેજ ક્ન્ટ્રોલના મૂડમાં આવી ગઇ છે. નોકરીની તકોને વધારે પ્રાથમિકતા આપવાનો હવે નિર્ણય કરવામાં આવ્યો છે. આના સંકેત પણ મળવા લાગી ગયા છે. મળેલી માહિતી મુજબ તમામ સરકારી ખાલી જગ્યાઓ માટે ૩૧મી ડિસેમ્બર સુધી નિમણૂંકની પ્રક્રિયાને જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ પીએમઓ દ્વારા આપવામાં આવ્યો છે. કોઇપણ મંત્રાલયના પ્રસ્તાવમાં રોજગારની શક્યતાને લઇને રજૂઆત કરવામાં નહીં આવે તો તેના ઉપર વિચારણા નહીં કરવાનો પણ નિર્ણય કરાયો છે. નોકરી સાથે સંબંધિત ડેટા દર મહિને જારી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. નીતિ આયોગ હાલમાં દર ત્રીજા મહિને જોબ માટેના આંકડા જારી કરવાની તરફેણમાં છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ યુવાનોને ખેંચવાના હેતુસર મોટા અભિયાન શરૂ કરવાની તૈયારી છે. કોંગ્રેસ પાર્ટી પણ દેશના યુવાનો સુધી પહોંચવાની તૈયારીમાં છે ત્યારે ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે મોદી હવે નોકરીને લઇને ઝડપથી અને સંતોષજનક રીતે આગળ વધવા માંગે છે. પીએમઓ દ્વારા તમામ મંત્રાલયને સાફ સૂચના આપી છે કે હવે એવી યોજના લઇને આવે જેમાં રોજગારીનો ઉલ્લેખ હોય છે. કેબિનેટ સચિવે તમામ સચિવોને પીએમઓના આ આદેશ અંગે માહિતી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે કેન્દ્રમાં પોતાની સત્તાના ત્રણ વર્ષથી વધુના ગાળા દરમિયાન મોદી સરકાર આ મુદ્દે વિપક્ષના આક્ષેપોનો સામનો કરી રહી છે.
કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંકેત આપ્યો છે કે તેઓ જોબની કમીના મુદ્દાને સૌથી મોટો મુદ્દો બનાવનાર છે. રાહુલ અમેરિકાની યાત્રા દરમિયાન આ વાત કરીને ભાજપ સરકારની ઉંઘ હરામ કરી ચૂક્યા છે. સરકારના સાથી પક્ષો પણ માની રહ્યા છે કે આગામી દિવસોમાં આ મામલો તકલીફ ઊભી કરી શકે છે. પીએમઓ દ્વારા કેટલાક નવા આદેશ જારી કરવામાં આવ્યા છે.