(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
વિપક્ષે બોલાવેલા શાંતિપૂર્ણ બંધ દરમિયાન સમગ્ર દેશમાં સામાન્ય જનજીવન ખોરવાયું હતું જ્યારે શાળા-કોલેજો અને કચેરીઓ કેટલાક રાજ્યોમાં બંધ રહેવા પામી હતી. બિહારના જેહાનાબાદમાં સારવાર વિના એક ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું જ્યાં ભાજપે તેને હોસ્પિટલ લઇ જવા માટે વાહન શોધવામાં વિલંબને કારણભૂત ગણાવ્યું હતું. ઓરિસ્સામાં ટ્રેનોને રોકવામાં આવી હતી. બંધને ૨૧ વિપક્ષી દળોએ ટેકો આપ્યો હતો જેની આગેવાની કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી હતી. વિપક્ષી દળોએ આ દરમિયાન રાજઘાટથી રામલીલા મેદાન તરફ ૧.૮ કિલોમીટરની કૂચ કરી હતી. કેરળ, કર્ણાટક, ઓરિસ્સા અને અરૂણાચલપ્રદેશ જેવા રાજ્યોમાં બંધની વ્યાપક અસર દેખાઇ જ્યારે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મિજોરમમાં ખાસ અસર દેખાઇ નહોતી. ભાજપે આ બંધને અફવાઓ અને મુઝવણ ફેલાવનારૂ ગણાવી કહ્યું કે, વિપક્ષે બનાવેલા મહાગઠબંધનના ફુગ્ગામાં લોકો પંકચર પાડી દેશે.