(એજન્સી) બાર્સિલોના, તા. ૨૭
કેટલાનની ક્ષેત્રીય સંસદે વિવાદીત મતદાન બાદ શુક્રવારે સ્પેનમાથી છૂટા પડવાની જાહેરાત કરી. જોકે સ્પેને તેને માન્યતા આપી નથી. સ્પેનની બંધારણીય કોર્ટે ટૂંક સમયમાં તેને ગેરકાયદેર જાહેર કરવા સંબંધિત ચુકાદો આપી શકે છે. કેટલોનિયાના આ નિર્ણય પર સ્પેનના વડાપ્રધાન મેરિયાનો રાજોયે દેશના તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આ પહેલા ૧૩૫ સભ્યો ધરાવતી સંસદમાં આઝાદીનો પ્રસ્તાવ પસાર થયો. સંસદના સ્પીકરે કહ્યું કે આઝાદીના પક્ષમાં ૭૦ વોટ પડ્યાં તો તેના વિરોધમાં ૧૦ અને ૨ વોટ ખાલી રહ્યાં છે. જોકે કેટલીક પાર્ટીઓએ આ મતદાનનો વિરોધ પણ કર્યો હતો. મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીઓ જેવી કે સોશલિસ્ટ પાર્ટી, પીપલ્સ પાર્ટી અને બીજા એક પક્ષના સાંસદે સંસદનો બહિષ્કાર કર્યો હતો. સ્પેનના વડાપ્રધાને કહ્યું કે આ માન્યતાને બહાલ કરવામાં આવશે. કેટલોનિયા વતી આઝાદીની જાહેરાત કરવામાં આવ્યાં બાદ સ્પેનની સેનેટે કેન્દ્ર સરકારને વ્યાપક અધિકાર આપ્યો. આ વિશેષાધિકાર કેટલોનિયા કટોકટી સાથે કામ પાર પાડવા માટે આપવામાં આવ્યો. વિશેષાધિકાર મળતાં સ્પેન સરકાર ટૂંક સમયમાં કોઈ મહત્વનો નિર્ણય જાહેર કરી શકે છે. હજુ હમણાં જ સ્પેન સરકારે કહ્યું હતું કે હવે કેટલાનને સીધી રીતે તેની હકૂમત હેઠલ લેવામાં આવશે. તેને માટે સ્થાનિક સરકારને હટાવવામાં આવશે અને ફરી વાર ચૂંટણી યોજવામાં આવશે. કેટલોનિયા પ્રાંત ઘણા લાંબા સમયથી અલગ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. આઝાદીના હજારો સમર્થકો સડકો પર પ્રદર્શન કરી રહ્યાં હતા. આ પહેલા પણ કેટલોનિયાના રાષ્ટ્રપતિ કાર્લ પ્યુડેમંટે જનમત સંગ્રહ પછી ૧૦ ઓક્ટોબરે પ્રતિકાત્મક આઝાદીની જાહેરાત કરી હતી.