(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૦
અરવલ્લી જિલ્લાની દીકરીઓ અનેકક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે. જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ભિલોડાના માકરોડા ગામની કેયાવાજા મિસ ઇન્ડિયા-૨૦૧૯ સ્પર્ધામાં બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સ ક્ષેત્રે અદ્‌ભુત પ્રદર્શન કરતા એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધા-૨૦૧૯માં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરી સહેજ માટે ઇન્ડિયા મિસ ઇન્ટરનેશનલનો ખિતાબ ચૂકી જતા ફર્સ્ટ રનર-અપ બની હતી. મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયામાં ફર્સ્ટ રનર -અપ બની ગુજ્જુ ગર્લ્સે સમગ્ર દેશમાં નામ રોશન કર્યું હતું. કેયાવાજાની મોડલિંગ ક્ષેત્રે સિદ્ધિથી તેના માદરે વતન ભિલોડામાં ઉજવણીના માહોલ સાથે કેયાવાજાનું ભવ્યતી ભવ્ય સ્વાગત અને રેલી યોજી આવકારવામાં આવી હતી.
૧૮ નવેમ્બરે ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૨૫ મોડેલ્સે ભાગ લીધો હતો જેમાં કેયાવાજા ફર્સ્ટ રનર-અપ બની હતી. ઇન્ડોનેશિયાથી પરત ફરેલ કેયાવાજાનું ભિલોડા ખાતે ભવ્યાતી ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ અને ત્રિરંગા સાથે નગરમાં રેલી યોજી હતી. કેયાવાજાને આવકારવા મોટી સંખ્યામાં ભિલોડાના અગ્રણીઓ, નગરજનો અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેયાવાજાએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને વીર શહીદ અર્જુનસિંહ ગામેતીના સ્મારકને ફૂલહાર અર્પણ કર્યો હતો.
કેયાવાજા ફર્સ્ટ રનર-અપ બનતા મારૂ સ્વપ્ત પૂરૂં થયું હોવાનું જણાવી મિસ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયારીઓ શરૂ કરશે અને સેવાકીય કાર્યો તથા દેશની દીકરીઓને તેમની પ્રતિભા બહાર લાવવા માટે બનતા પ્રયત્નો કરશે અને આદિવાસી સમાજની દીકરીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.