અમદાવાદ,તા. ૩૦
કેન્દ્ર સરકાર દ્વારા ખાદી અને તેની બનાવટો પર પાંચ ટકાથી લઇ ૧૮ ટકા સુધીનો જીએસટી લાગુ પાડતાં ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો છે. આઝાદીથી અત્યારસુધી ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ પર ટેક્સ ન હતો અને હવે જીએસટી લાગુ કરાતાં ખાદી ગ્રામોદ્યોગ સંઘ અને સંસ્થાઓ દ્વારા હવે વિરોધ આંદોલન છેડવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે ખાદી ગ્રામોદ્યોગ સંઘ અને સંસ્થાઓ દ્વારા આવતીકાલે સવારે ૧૧-૦૦ વાગ્યે અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલથી સુભાષબ્રીજ કલેકટર કચેરી સુધી વિશાળ મૌન રેલી યોજવામાં આવશે અને જીએસટીના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા સંઘના મંત્રી કલ્યાણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ખાદી અને તેની બનાવટોના કામ મારફતે ગરીબ, આદિવાસી અને મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય છે. ખાદી સંસ્થાઓ વ્યાપારિક ધોરણે આ કામ નથી કરાતું પરંતુ કેન્દ્ર સરકારના ખાદી ગ્રામોદ્યોગ કમીશન અને રાજય સરકારના ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. સને ૧૯૧૫થી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી અને તેમણે વિદેશી વસ્ત્ર હટાઓ અને સ્વદેશી અપનાવોનું સૂત્ર દેશવાસીઓને આપ્યું હતું.આવતીકાલે જીએસટીના વિરોધમાં ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ અને સંસ્થાઓ દ્વારા સવારે ૧૧-૦૦ વાગ્યે ઇન્કમટેક્સ સર્કલથી સુભાષબ્રીજ કલેકટર કચેરી સુધી વિશાળ મૌન રેલી યોજવામાં આવશે અને જીએસટીના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.