(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
બારડોલી તાલુકાની અલ્લુ વિભાગ ખેતીપાર્ક રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી મંડળીના પેટ્રોલપંપ ઉપર લૂંટારૂ ટોળકીએ ત્રાટકી પેટ્રોલપંપ સાચવનાર વાલચમેનની ઘાતકી હત્યા કરી હતી. તેમજ ઓફિસમાં તોડફોડ કરી રોકડા રૂપિયા ત્રણ હજારની લૂંટ કરી નાસી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અલ્લુ ગામે સહકારી મંડળીનો પેટ્રોલ પંપ આવેલો છે. ગત તા.૧૬-૮-૨૦૧૭ના રોજ રાત્રિ સમય દરમિયાન અજાણ્યા ઈસમો લૂંટ કરવાના ઈરાદે ધસી આવ્યા હતા. પેટ્રોલ પંપ સાચવનાર ભવાનભાઈ સોમાબાઈ ચૌધરીને આ અજાણ્યા ઈસમોએ માથાના ભાગે બોથડ હથિયારથી ગંભીર ઈજા પહોચાડી મોતને ઘાટ ઉતાર્યા બાદ ઓફિસનું તાળુ તોડી કાંચ તોડી રોકડા રૂ.૩ હજારની લૂંટ કરી હતી. તેમજ ઓફિસનું કોમ્પ્યુટર ટેબલ કોતર પાસે લઈ જઈ નુકસાન કરી ફેદ્વકી દીધું હતું. બનાવ અંગે ઠાકોરભાઈ રઘાભાઈ પટેલે બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પો.ઈન્સ્પે. જે.એન. પંચાલે હત્યા લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.