અમદાવાદ, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે દુબઈની તર્જ પર અમદાવાદમાં શોપિંગ ફેસ્ટીવલનો પ્રારંભ કર્યો હતો, ત્યારે શોપિંગ ફેસ્ટીવલના ઉદ્‌ઘાટન બાદ મોદીએ ખરીદવા આવ્યા હોય તો ખાલી હાથે ના જવાય કહીને ખાદીની કોટી ખરીદી હતી. નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવી વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા કહ્યું કે, ખરીદવા આવ્યા હોય તો ખાલી હાથે ન જવાય. ત્યારબાદ પીએમએ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી ૩૦૦૦ રૂપિયાની ખાદીની કોટી ખરીદી હતી. જેમાં તેઓને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને ૨૪૦૦ રૂપિયાનું બિલ કાર્ડથી ભર્યું હતું. ઉપરાંત પોરબંદરના પાલખડાના સ્ટોલની મુલાકાત લઈ બામ્બૂ વર્કની તલવાર હાથમાં લઈ નિહાળી હતી. સ્ટોલના માલિક અને મારુતિ સખી મંડળ ચલાવતાં ક્રિશ્ચન એંથોની જોસેફની આ કલાના વખાણ કરતા કહ્યું હતું કે ખૂબ સરસ નકશીકામ કર્યું છે. હળવા મૂડમાં પૂછ્યું કે આ લડવા માટે છે ? ત્યારે સ્ટોલ માલિકે જવાબ આપ્યો ના સાહેબ આ બુઠ્ઠી તલવાર છે. ખૂબ સરસ છે તેવું પણ કહ્યું હતું. શોપિંગ ફેસ્ટીવલ અંગે મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારની વ્યવસ્થા વિદેશમાં જોવા મળે છે, પુરાતન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય, સામૂહિકતાની એક તાકાત હોય છે. અહીં નાના વેપારીઓને મોટું માર્કેટ મળ્યું છે. અગાઉ ડઝન બંધ ટેક્સ લાગતા હતાં. દુનિયાભરના બજારો ભારતની રાહ જોઈ રહ્યા છે.વેપારીઓના ફાયદા થાય એવા તમામ કામ કર્યા છે.