મુંબઈ,તા.૧૪
ટીમ ઈન્ડિયા ૨૦૧૯ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવા ખેલાડીઓને મોકો આપી રહી છે. એશિયા કપમાં ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનારા ફાસ્ટ બોલર ખલીલ અહમદે સીનિયર ખેલાડીઓને સપોર્ટિવ ગણાવ્યા છે. ખલીલે હજુ સુધી માત્ર ૯ આંતરરાષ્ટ્રીય મુકાબલા રમ્યા છે પરંતુ તેણે કહ્યું કે, કોઈ યુવા ક્રિકેટર ગમે તેટલો ટેલેન્ટેડ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી સીનિયર ખેલાડી તેના પર ભરોસો ન મુકે ત્યાં સુધી કોઈ મતબલ હોતો નથી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મારી ક્ષમતા પર ભરોસો રાખ્યો અને મને પૂરતી સ્વતંત્રતા આપી તે માટે હું તેમનો આભારી છું.
ખલીલે જણાવ્યું કે, ભારતીય ટીમમાં પ્રથમ વખત સામેલ થયો ત્યારે થોડો નર્વસ હતો. સીનિયર ખેલાડીઓ વગર આ શક્ય નહોતું. વિરાટ ભાઈ અને રોહિત ભાઈએ મને બોલની સાથે ખુદની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી હતી. જેના કારણે હું આમ કરી શક્યો. તેમના સમર્થન વગર આ શક્ય નહોતું.
મહેન્દ્ર સિંહ ધોની અંગે તેણે કહ્યું કે, સ્લિપ ફિલ્ડર વાઇડ ઉભો રાખી શકું છું. એક બોલરના રૂપમાં આ વિશ્વાસ ખૂબ મોટો હોય છે. તેમણે મને હંમેશા લાઇન લેન્થ પર ધ્યાન કેન્દ્રિત કરી બોલિંગ કરવા પ્રેરિત કર્યો છે.