અંકલેશ્વર,તા.૨૪
અંકલેશ્વરમાં ભુતિયા જોડાણોની તપાસ બાબતે ઉદ્યોગપતિઓ અને જીપીસીબી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં ઉદ્યોગપતિઓ મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ડેલીએ હાથ દઇ પાછા ફર્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. ઉદ્યોગોના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રીએ મંગળવારે સાંજે ૫ વાગ્યે મળવાનો સમય આપ્યો હતો પણ તેઓ ન મળતાં ઉદ્યોગકારોને આખરે પર્યાવરણમંત્રીને રજૂઆત કરી સંતોષ માણવો પડયો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અંકલેશ્વરમાં ભુતિયા જોડાણો શોધવાની કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. જીપીસીબીના ખોદકામને કારણે રસ્તા તથા માળખાને નુકશાન થતું હોવાના આાક્ષેપ સાથે ઉદ્યોગપતિઓએ ગત સપ્તાહે જીપીસીબીની કામગીરી અટકાવી દીધી હતી. ઉદ્યોગકારોએ આંદોલનની ચીમકી આપી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જીપીસીબી કામગીરી પર ઉદ્યોગકારોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં ઉદ્યોગકારોની ખોટી રજૂઆત કરવામાં આવી છે. જો કે તમામ બાબતો ધ્યાનથી સાંભળ્યા બાદ હાઇકોર્ટ હુકમ આધારે ભૂતિયા કનેક્શન શોધવાની યથાવત રહેશે તેવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. તમામ વિભાગનું સંકલન કરી એકજ જવાબ રજુ થાય તેમાં સમસ્યાનો હલ નીકળે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. એનસીટી ૪૦ એમ.એલ.ડી કન્સેન્ટ ઉદ્યોગકારો મળે તે માટે પણ આગામી ૨ દિવસમાં સમાંબધીત વિભાગો મીટીંગ યોજી નિર્ણય કરવાનો નક્કી કરવામાં આવ્યું છે તેમજ મીટીંગ સાનુકૂળ પ્રતિભાવ મળ્યો હોવાનું એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલએ જણાવ્યું હતું.