(એજન્સી) તા.ર૮
જાણીતા પોલિટિકલ રિસર્ચર અને નિરીક્ષક ખાલિદ સૈફુલ્લાહે તાજેતરમાં એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોની ભૂમિકા વિશે મુક્ત મને વાત કરી હતી અને તેમણે જણાવ્યુંં હતુંં કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સેક્યુલર પાર્ટીને જીતાડવા માટે મુસ્લિમ ધર્મના લોકોએ કેવી એકતા બતાવી હતી. જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોની ભૂમિકા શું હતી ? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતુંં કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોએ ખરેખર તો મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે યુપીની ચૂંટણીનું ઉદાહરણ આપતાં કહ્યું હતુંં કે ત્યાં લગભગ ર૯ સીટો પર મુસ્લિમ ઉમેદવારો હારી ગયા હતા કેમ કે ત્યાં મુસ્લિમ વોટોનું ધ્રુવીકરણ કરવામાં આવ્યું હતુંં. જોકે તેમણે કહ્યું કે તેનાથી જ બોધ લઈને કર્ણાટકના મુસ્લિમ સમુદાયના લોકોએ નક્કી કર્યું હતુંં કે અહીં તો મુસ્લિમ વોટનું ધ્રુવીકરણ નહીં થવા દઇએ. તેમણે સૌથી પહેલા તો મહત્વની ભૂમિકા અદા કરતાં વોટર લિસ્ટ ચેક કરી હતી જેમાં લગભગ ૧૮ લાખ જેટલા મુસ્લિમોના નામ સામેલ જ નહોતા. જોકે તેના પગલે કોલેજ-યુનિવર્સિટી, મુસ્લિમ યુવાઓ, મસ્જિદો અને મદરેસાઓ તથા બિનસરકારી સંગઠનો આ મામલે એકઠાં થયા હતા અને તેમણે આ મામલે ચર્ચા કરી હતી અને તેઓએ આ મામલે કર્ણાટકના લઘુમતી બાબતોના મંત્રાલય સાથે પણ ચર્ચા કરી હતી અને તેમણે ચૂંટણી પંચને તાત્કાલિક ધોરણે ઇલેક્શન કાર્ડ બનાવવા માટે અભિયાન ચલાવવા માટે અપીલ કરી હતી. જોકે ૮ એપ્રિલથી આ મામલે ચૂંટણી અભિયાન શરૂ કરાયું હતુંં અને ચૂંટણી પહેલા પહેલા લગભગ સાત લાખ વોટરના નામ નોંધવામાં આવ્યા હતા જે એક મહત્વની સફળતા હતી. જોકે કુલ ૧ર લાખ વોટરો ચૂંટણી પહેલા ફરી મતદાન યાદીમાં સામેલ થઇ ગયા હતા.જ્યારે તેમને પ્રશ્ન કરાયો કે ૮૩ જેટલા મુસ્લિમ ઉમેદવારોએ શા માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી ? તો તેમણે કહ્યું કે અનેકવાર ચૂંટણીમાં જોવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઇ મુસ્લિમ ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવે છે ત્યારે તેના જ મતવિસ્તારના અન્ય ઘણા મુસ્લિમ ઉમેદવારો અપક્ષમાંથી તેની સામે ઊભા થઈ જાય છે અને આ જ કારણે મુસ્લિમ વોટ વિખેરાઇ જાય છે અને તેનું ધ્રુવીકરણ થતાં મોટો પક્ષ લાભ ખાટી જાય છે. અનેક મુસ્લિમ સમુદાયના નેતા બે કે ત્રણ હજારના નજીવા અંતરથી હારી જાય છે. તેમણે કહ્યું કે આ વખતે એવુંં થતાં કર્ણાટકમાં રોકવામાં આવ્યું હતુંં. તમામ મુસ્લિમ સમુદાયના લોકોએ એકઠા થઈને એક અભિયાન ચલાવ્યું અને આવી રીતે ડમી તથા અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા લોકોને સામાજિક દબાણ હેઠળ લાવીને તેમને પોતાની ઉમેદવારી પાછી ખેંચવા મજબૂર કરાયા હતા. તે માટે મુસ્લિમ સમુદાયના લોકોએ, મસ્જિદની સમિતિઓએ તેમજ મુસ્લિમોના નેતૃત્વએ આ મામલે તમામ ઉમેદવારોને સમજાવ્યા હતા અને મુસ્લિમ વોટ વહેંચાવા દીધા ન હતા અને આ જ કારણે ૮૩ જેટલા ઉમેદવારોએ મુસ્લિમ સમુદાયના લોકોના દબાણ હેઠળ ઉમેદવારી પાછી ખેંચી હતી. તેમને જ્યારે પ્રશ્ન કરાયો કે એમઆઇએમ અને એસડીપીઆઈએ શા માટે ચૂંટણી લડવાનું પડતું મૂક્યું તો તેમણે કહ્યું કે અહીં પણ કર્ણાટકના મુસ્લિમ સમુદાયના લોકોની ભૂમિકા હતી. જેમણે વોટના ભાગલા પડવા ન દીધા હતા. એમઆઈએમ ૬૦ પર ચૂંટણી લડવાની હતી પણ તેણે પણ ઇનકાર કરી દીધો અને એસડીપીઆઇએ પણ રપ સીટ પર લડવાનું નક્કી કર્યું હતુંં અને તેણે પણ કર્ણાટકના મુસ્લિમ નેતૃત્વએ સમજાવ્યા હતા અને તેમને આ વખતે ચૂંટણીમાં ઉતરીને સેક્યુલર પક્ષના ઉમેદવારને નુકસાન ન થવા દેવા અપીલ કરી હતી. જે બંને પક્ષોએ સ્વીકારી હતી. જ્યારે તેમને એમઇપી દ્વારા મુસ્લિમ વોટોના ધ્રુવીકરણ વિશે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે આ તો બકવાસ છે. તેનાથી કંઇ થઇ શક્યું નથી કેમ કે તે પાર્ટીની કોઇ યોજના નહોતી તે ફક્ત મુસ્લિમ વોટમાં ભાગલા પડાવીને ભાજપ જેવા સંગઠનને ફાયદો કરાવવા માગતી હતી પરંતુ કર્ણાટક મુસ્લિમ સમુદાયના લોકોની જાગૃતતાએ આ પાર્ટીની નીતિને નિષ્ફળ બનાવી હતી. તેમણે કહ્યું હતુંં કે આપણે સૌએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીથી બોધપાઠ લેવો જોઇએ કે તમામ મુસ્લિમ સમુદાયના લોકોએ એકમંચે આવીને સેક્યુલર ઉમેદવારને જીતાડવાનો પ્રયાસ કરવો જોઈએ અને સમુદાયના વોટમાં ભાગલા ન પડવા દેવા જોઇએ જેથી કરીને કોઈ બીજો એવો પક્ષ લાભ ખાટી ન જાય કે જેથી મુસ્લિમ સમુદાયના લોકોને નુકસાન થાય. તેમણે કહ્યું કે કર્ણાટક મુસ્લિમોની ભૂમિકાને રોલ મોડલ જેવી લેવી જોઈએ. હું એમ નથી કહેતો કે મુસ્લિમો ફક્ત મુસ્લિમોને જ વોટ કરે. તેમણે કહ્યું કે ભાજપ જેવા પક્ષે યુપીમાં કોઇ મુસ્લિમને ટિકિટ ના આપી. તેમણે કહ્યું કર્ણાટકમાં પણ એવુંં જ બન્યું કે કોઇ મુસ્લિમને ભાજપ જેવા પક્ષે ટિકિટ ન આપી અને આ જ કારણે મારી અપીલ છે કે મુસ્લિમ સમુદાયના લોકો એવી પાર્ટીને વોટ કરે જે સેક્યુલર હોય અને મુસ્લિમ પ્રત્યે વેરભાવ ન રાખતી હોય.