સાવરકુંડલા, તા.૪
અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં સાવજોની રંજાડ દિન-પ્રતિદિન વધી રહી છે. અહી ખાંભામાં ૨૪ કલાક દરમિયાન ૯ પાલતું પશુઓના મારણ સિંહો દ્વારા બજારો સોસાયટી વિસ્તારોમાં થતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. ખાસ કરી ખાંભાની હસાપરા વિસ્તાર આશ્રમપરા પીપળવા રોડ તેમજ મહાદેવપરા વિસ્તારમાં ગત મોડીરાત્રીએ ૩ સિંહો આવી ચડ્યા હતા અને શેરીઓમાં બેઠેલ ૬ પાલતું પશુઓનો શિકાર કરી રાત ભર અહી શેરીઓમાં બેસી મિજબાની મનાવી હતી. જેથી આસપાસની સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોટ્યા હતા ત્યારે સવારે વન વિભાગને જાણ કરતા વનવિભાગના કર્મીઓએ આવી આ રેહણાક વિસ્તારમાં કરેલા ગાયોના મારણને અહીંથી ખસેડી અન્ય જગ્યાઓ પર છોડી આવ્યા હતા ત્યારે વાત અહીથી ન અટકતા આ સાવજો ગતરાત્રીના મધ્યે આવી ચડી જ્યાં મારણ કરેલા તે જગ્યાએ પહોંચ્યા હતા. પરંતુ મારણ વન તંત્ર દ્વારા અન્ય ખસેડી દેવાતા સાવજો થોડી વાર રઘવાયા બની શેરીઓમાં આંટાફેરા ફરી નવો ખોરાક શોધવા સામા કાઠે બે અન્ય પશુના શિકાર કર્યાં હતા જેથી ૨૪ કલાકમાં આ સાવજોએ ૯ પશુઓના મારણ કરતા ગ્રામ્યજનો તેમજ માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સામાન્ય રીતે સિંહો ગીર વિસ્તારમાં મારણ કરતા જ હોય છે પરંતુ ગામમાં ઘૂસીને મારણ કર્યાની ઘટના હાલ ઘણી જગ્યાએથી સામે આવતા હાલ વન તંત્ર પણ સાબદું બની નિયમિત ફેરણા કરે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે.