(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨
દ્વારકા જિલ્લાની સ્થાપના પછી ખંભાળિયામાંથી સૌપ્રથમ વખત એક કરોડના મુદ્દામાલવાળો દારૂનો જથ્થો કબજે કર્યો છે. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા હાલમાં લાગુ થયેલી આચારસંહિતા દરમિયાન તેની કડક અમલવારી માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે આજે સવારે ખંભાળિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ ડી.બી.ગોહિલ તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયાથી ભાણવડ જતાં ટ્રકમાં અંગ્રેજી શરાબનો ગંજાવર જથ્થો લઈ જવામાં આવતો હોવાની બાતમી પીઆઈ ડી.બી.ગોહિલને મળતા તેઓએ એસપી રોહન આનંદ અને ડીવાયએસપી જે.એચ.ઝાલાને તેનાથી વાકેફ કર્યા પછી સ્ટાફને સાથે રાખી વોચ ગોઠવી હતી. ભાણવડ માર્ગ પર પોલીસ દ્વારા ગોઠવાયેલી ચાંપતી નજર દરમિયાન ત્યાંથી નીકળેલા એચઆર-૬૧-સી ૭૬૭૯ નંબરના હરિયાણા પાર્સીંગના એક ટ્રકને પોલીસે આંતરી લીધો હતો. આ ટ્રકની તલાશી લેવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૨૨૭ પેટીનો જથ્થો મળી આવ્યો હતો એટલે કે, આ ટ્રકમાં કુલ ૨૦,૧૨૪ બોટલ શરાબ લઈ જવાતો હતો. આ જથ્થા સાથે પોલીસે હરિયાણાના જીતેન્દ્ર હરેશ રાજપૂત ઉર્ફે સોનુ તથા મનજી કુંવરસિંગ જાટ નામના ડ્રાઈવર-ક્લિનર અને ભાણવડ તાલુકાના પાસ્તરડીના નાથાભાઈ બાબુભાઈ કોડિયાતર નામના રબારી શખ્સની અટકાયતમાં લઈ ખંભાળિયા ખસેડ્યા હતા. પોલીસે ટ્રકમાં રહેલા જથ્થાની ગણતરી શરૂ કરતા રૂા.૭૨,૯૭,૨૦૦ની કિંમતની ૨૦,૧૨૪ બોટલ શરાબ ઝબ્બે થયો હતો. જ્યારે રૂા.૩૦ લાખની કિંમતનો અદ્યતન ટ્રક પણ પોલીસે કબજે લઈ બે મોબાઈલ પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દ્વારકા જિલ્લાની સ્થાપના થયા પછી રૂા.૧ કરોડના મુદ્દામાલવાળો શરાબનો જથ્થો પ્રથમ વખત કબજે કર્યો છે.