(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૬
સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં ચોટી કાપવાના બનાવથી ચકચાર ફેલાયેલ છે ત્યારે અમરેલી જિલ્લાના ડેડાણ ગામે સોમવારની રાત્રિના એક સગીર યુવતીની ચોટી કપાઈ હોવાનું ગામમાં જાહેર થતા ભયનું વાતાવરણ ફેલાયું હતું પરંતુ ખાંભા પી.એસ.આઇ.રાણા એ આ યુવતીના ઘરે જઈ તપાસ કરતા સગીર વયની યુવતીની મોટી બહેનેજ વાળ કાપ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું..
જાણવા મળતી વિગતો અનુસાર ખાંભા તાલુકાના ડેડાણ ગામે અશોકભાઈ ઉગાભાઇ બાંભણીયા તથા પત્ની તેમજ તેમની બે દીકરીઓ સોમવારની રાત્રિના ઘરે સુતા હતા ત્યારે રાત્રિના ૧૨.૩૦ વાગ્યાના અશોકભાઈની નાની પુત્રી કિરણની ચોટલી કપાઈ હોવાનું જણાતાં ગામમાં આ ઘટનાને લઇ સૌ ભયમાં આવી ગયા હતા. જેની ખાંભા પોલીસને જાણ થતા પી.એસ.આઈ.એસ.જે.રાણા ડેડાણ ગામે અશોકભાઈ બાંભણિયાના ઘરે જઈ તપાસ કરતા કિરણના વાળ કપાયેલ હતા. આ અંગે પીએસઆઇ રાણા એ ઘરના સભ્યોને ચેક કરતા અશોકભાઈની મોટી પુત્રી કિંજલના હાથમાં બ્લેડના ચીરા હતા અને પોલીસને ઘરમાંથી બ્લેડના ટુકડા પણ મળી આવ્યા હતા જેથી કોઈએ આ યુવતીની ચોટી કાપી નહતી પરંતુ કિરણની મોટી બહેન કીંજલેજ વાળ કાપ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. દેશભરમાં તેમજ રાજ્યમાં એક પછી એક ચોટી કાપવાની ઘટનાઓ બનેલ હતી જેના કારણે સામાન્ય સ્ત્રીઓમાં આ કૃત્ય કોઈ શખ્સો દ્વારા તાંત્રિક વિદ્યામાં ઉપયોગમાં લઇ તેને નુકશાન પહોંચાડવા ચોટી કાપતા હોવાના ભ્રમના કારણે ભયનું વાતાવરણ ફેલાયેલ હતું. જો કે આવા બે ત્રણ કિસ્સામાં ઘરનાજ સભ્યો પ્રસિદ્ધિ મેળવવા આવા તુત કરી સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરતા હોવાનું આખરે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે.