ખંભાત, તા.૧૬
ખંભાતમાં એજ્યુકેશન ડેવલોપમેન્ટ ગ્રુપ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થી સન્માન સમારોહ સફળતાપૂર્વક યોજાયો હતો. એજ્યુકેશન ડેવલોપમેન્ટ ગ્રુપ ખંભાત દ્વારા ધોરણ ૧૦, ૧ર કોલેજ, માસ્ટર ડિગ્રી, એન્જિનિયરીંગ, ડિપ્લોમા ફાઈનલ વર્ષમાં સારા ટકાથી પાસ થયેલા મુસ્લિમ વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૪૦ બહેનો સહિત ૧૬૬ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક, અસગરભાઈ, ઈકબાલભાઈ પોચા, તોરેખાન પઠાણ, રફીકભાઈ તિજોરીવાળા, મુન્નાભાઈ, પેટલાદના રિફાખતખાન પઠાણ તથા નડિયાદના સરકારી ઈજનેર એવા મિરઝા સાહેબ તથા આણંદના ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝ વોરો, ટીકુ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સુબેખાન પઠાણ તથા નિવૃત્ત કલમસરમાં પ્રિન્સિપાલ અને સમાજ સેવા નાઝીમઅલી સૈયદ વગેરે તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા એમના વાલીઓ તથા ખંભાત શહેરના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત ટુડેના ખંભાતના એજન્ટ એવા શકીલભાઈ વમની મૌલાનાએ કુર્આને પાકની તિલાવત કરી હતી. સ્કોલરશીપ કેવી રીતે મેળવવી એની માહિતી જાનીશાર શેખ દ્વારા સારી રીતે સમજાવવામાં આવી હતી. કરીમભાઈ મલેકએ જણાવ્યું હતું કે આપણા આજના યુગમાં આપણા સમાજ માટે શિક્ષણ બહુ જ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સમાજ પોતાને મદદ નથી કરતું એને ખુદા પણ મદદ નથી કરતો. તોરેખાન પઠાણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આજે આપણા ગુજરાતમાં મુસ્લિમ સમાજ શિક્ષણ માટે ખૂબ જ જાગૃત થયો છે. આપણે કોઈનાની ગભરાવવાની જરૂર નથી. કર્મશીલો સમાજ માટે કામ કરી રહ્યા છે. ઈકબાલભાઈ પોચાએ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ગ્રુપના વખાણ કરતાં જણાવ્યું હતું કે આપણા દરેક શહેરોમાં આવી સંસ્થાઓ ઊભી કરવી જરૂરી છે. ખંભાતના એડવોકેટ તથા નગરપાલિકાના કાઉન્સિલર ઈફ્તેખાર યમનીએ પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે આપણા સમાજે ફીરકા પરસ્તીમાંથી નીકળીને સમાજ માટે કાર્ય કરવાની જરૂર છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે એજ્યુકેશન ડેવલોપમેન્ટ ગ્રુપના સભ્યો એવા કાલુભાઈ સૈયદ, કુતુબ શેખ, જાનીશાર શેખ, ઝફર શેખ, અતીક ભટ્ટી, અસ્પાક દલવાડી, રેહાન સૈયદ, સાદીકઅલી સર શાહીદઅલી સૈયદ, ફહદ શેખ, સબાહત શેખ, અસલમભાઈ સોહેલ સૈયદ, સોહેલ શેખ, સરફરાજખાન પઠાણ વગેરે યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.