(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
આણંદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મેનેજરને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને રૂા.૫ લાખની ખંડણી માંગનાર બે જણાંને ગોત્રી પોલીસે આજે છટકુ ગોઠવી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોત્રી પોલીસ મથકના પો.ઈ. એ.બી. ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી રાધિકાપાર્ક સોસાયટીમાં રહેતા અને આણંદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મેનેજર તરીકે (ઇકોનોમિક ઇન્વીસ્ટીગેટર) તરીકે ફરજ બજાવતા યજ્ઞેશકુમાર ઠાકોરભાઇ પાવાગઢીને ગત તા.૭ જાન્યુઆરી દરમિયાન એક જણાંનો ફોન આવ્યો હતો. તેને જણાવ્યું હતું કે, તમારો વિડીયો અમારી પાસે છે. આ વિડીયોને વાયરલ કરી દઇશું એવી ધમકી આપીને રૂા.૫ લાખની માંગણી કરી હતી. વડોદરા નજીક રૂપિયા આપવાનું જણાવતા હતા જેથી પ્રજ્ઞેશકુમારે ગોત્રી પોલીસને ફરિયાદ કરી હતી. આથી પોલીસે મેનેજર દ્વારા બંને ખંડણીખોરોને ગોત્રી રોડ પર શહેર નજીકનાં કોલાબેરા કોલ સેન્ટર પાસે બોલાવ્યા હતા. જ્યાં પોલીસે છટકુ ગોઠવ્યું હતું. પોલીસે રૂપિયા લેવા આવેલા બંને શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેમણે પોતાના નામ અમીત અશ્વિનભાઇ બારોટ (રહે. બારોટ ફળિયું, પોર) અને જીગર જનકભાઇ બારોટ (ગોકુલનગર, ગોત્રી) હોવાનું જણાવ્યું હતું.