વઢવાણ, તા. ર૩
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પાસે રાજપરના રસ્તે આવેલા આવાસ યોજનાના મકાનો છેલ્લા કેટલાક સમયથી ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે આ મકાનો સરકાર દ્વારા એક દશકથી બનાવીને મૂકી દેવાયા બાદ કોઈ ગરીબ અને પછાત લોકોને આવાસ યોજનાના મકાનોની ફાળવણી કરાઈ નથી. જ્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પણ જૂની ખળપીઠ તથા કુલેશ્વર મંદિર પાસે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા કેટલીક દુકાનો ઊભી કરી દેવાઈ છે પરંતુ સરકાર તથા તંત્ર ગરીબ લોકોને આ સરકારી મિલકતની ફાળવણી નહીં કરતા વર્ષોથી ધૂળ ખાતી કરોડો રૂપિયાના રોકાણ કરેલી આ સરકારી મિલકત ખંડેર હાલતમાં નજરે પડે છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરના ગરીબ અને ઘર વિહોણા લોકોને પોતાનું મકાન તથા રોજગાર માટે આ સરકારી દુકાનો ફાળવી રોજગાર મળી રહે તેવી માગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ધ્રાંગધ્રા શહેરના રહિશોના મુખ્ય પ્રશ્નોમાં વર્ષોથી ખંડેર પડેલા આવાસ યોજનાના મકાનો તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલ ખંડેર હાલતમાં પડેલા કોમ્પ્લેક્ષની દુકાનો ફાળવણી કરવી સાથે ધ્રાંગધ્રા એસ.ટી. સ્ટેન્ડ પાસે આવેલ રોકડીયા સર્કલને રીનોવેશનની કામગીરી શરૂ કરાવવી તથા છેલ્લા કેટલાક સમયથી ધ્રાંગધ્રા નગરપાલિકામાં ઈન્ચાર્જ ચીફ ઓફિસર હોવાથી લોકોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ધક્કા ખાવા પડે છે. તો કાયમી ચીફ ઓફિસર મૂકાય તેવી માગણી સાથે ડે.કલેક્ટર પ્રજ્ઞાબેન મીણપરાને આવેદન અપાયું હતું.