કોડીનાર તા. ૩૦
કોડીનાર શહેરમાં બે દિવસ પહેલાં થયેલી લોહિયાળ બઘડાટીમાં ગીર સોમનાથ એલ.સી.બી.એ ગત રોજ મોડી સાંજે ભાગેડુ પાંચેય શખ્સોને ગડુ ખાતેથી દબોચી લીધા છે.
આ ઘટનાની વિગત મુજબ કોડીનારના ફીશ માર્કેટ રોડ ઉપર બે દિવસ પહેલાં ચંદ્રકાંતસિંહ રાઠોડ ઉર્ફે બાબુડી પ્રકાશ મનુ ચુડાસમા ઉર્ફે પકલો-રફીક સુલેમાન સેલોત સુલેમાન શફી જુણેજા ઉર્ફે ખજૂર અને પુનિત કનૈયાલાલ સિંઘીએ એકજૂથ થઈ નાથા લખમણ સોલંકી અને ભાવેશ દમણિયા ઉપર જમીનના મનદુઃખમાં તલવારો વડે હુમલો કરી ચાર રાઉન્ડ ખાનગી ફાયરિંગ કરી નાથા અને ભાવેશને જીવલેણ ઈજાઓ પહોંચાડી નાસી જતાં કોડીનાર પોલીસે આ ઘટનામાં ૩૦૭ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા બાદ ગત રોજ મોડી સાંજે ગીર સોમનાથ એલ.સી.બી. ટીમે વેરાવળ નજીક ગડુ, ચોરવાડ હાઈટો ઉપરથી ઉપરોક્ત પાંચેય શખ્સોને પકડી પાડી આજે સાંજે કોડીનાર કોર્ટમાં ૧૦ દિવસ રિમાન્ડની માંગ સાથે રજૂ કરતાં કોડીનાર કોર્ટે તમામ આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનાની વધુ તપાસ ગીર સોમનાથ ડીવાયએસપી ચાવડા ચલાવી રહ્યા છે.