(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
કેન્દ્રીય માહિતી પંચે દેશના વિદેશ વિભાગ પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો દરમિયાન તેમની સાથે રહીને પ્રવાસ કરનારા લોકોની વિગતો માગી છે. ગયા ઓક્ટોબર માસમાં કરાબી દાસ નામની વ્યક્તિ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં પીએમ મોદીના વિદેશ પ્રવાસોમાં તેમની સાથે રહેલા લોકોની યાદી માગી હતી. જોકે, કોઇ સંતોષકારક જવાબ નહીં મળતા કરાબી દાસ માહિતી પંચ પાસે પહોંચ્યા હતા. મુખ્ય માહિતી કમિશનર આરકે માથુર સમક્ષ અરજદાર તરફે હાજર રહેલા કાર્યકર સુભાષ અગ્રવાલે કહ્યું હતું કે, અરજદાર તરફથી માહિતી મેળવવા માટે મગાયેલા ૨૨૪ રૂપિયા જમા કરાવી દીધા હોવા છતાં પૂરતી માહિતી આપવામાં આવી નહોતી. સુનાવણી દરમિયાન મંત્રાલયે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, પ્રવાસની તારીખ અને સ્થળ તથા ચાર્ટર્ડ ઉડાનો પર કરાયેલા ખર્ચાઓને બાદ કરીને વડાપ્રધાનના પ્રવાસો અંગે સામૂહિક રીતે કોઇ અન્ય ડેટા જાળવી રાખવામાં આવતા નથી. મંત્રાયલે એમ પણ જણાવ્યું હતું કે, ૨૨૪ રૂપિયાની ચુકવણી અંગે તેઓ આ બાબતે તપાસ કરશે અને અપડેટેડ માહિતી આપશે.