(સંવાદદાતા દ્વારા)
વાપી, તા.૧૯
દાદરા-નગર હવેલીના ખાનવેલ ગામે આવેલ આરોગ્ય કેન્દ્રના કર્મીઓની દિવાળી બગડી છે. છેલ્લા ૮ માસથી પગારથી વંચિત આદિવાસી રોજમદારોને કોન્ટ્રાકટર દ્વારા તહેવારો ટાણે પણ પગાર ન ચૂકવાતા કર્મીઓની હાલત કફોડી બની છે. આદિવાસીઓના હિતની વાત કરતી ભાજપ સરકારના રાજમાં દાદરાનગર હવેલીના સાંસદ પણ આદિવાસી છે તેમ છતાં આદિવાસીઓનું જ શોષણ થઈ રહ્યું છે. છેલ્લા ૧૦થી ૧પ વર્ષથી ખાનવેલ આરોગ્ય કેન્દ્રમાં આ આદિવાસીઓ રોજમદાર તરીકે કામ કરે છે. ૮-૮ માસથી પગારથી વંચિત રોજમદારોને દિવાળીના તહેવારમાં પગાર ન મળતાં ખાનવેલ પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી પાસે જ બાકી પગાર અને અન્ય માગણીઓ પ્રશ્ને ધરણા ઉપર બેસી ગયા છે. છેલ્લા ૧૦ વર્ષથી આ કોન્ટ્રાકટ જેવી નોકરી કરીને તેઓનું ભવિષ્ય પણ બરબાદ થઈ ગયું છે. રાત-દિવસ દવાખાનામાં સેવા કરતા આ આદિવાસીઓને રોજગારથી તો દૂર રાખ્યા, કાયમી નોકરીના હુકમ પણ અપાયા નથી. નોકરીના હુકમ પણ અપાયા નથી. આદિવાસી ભાઈ-બહેનોને આરોગ્ય પ્રશાસન સામે દિવાળી ટાણે આંદોલન કરવા બેસવું પડે તે આદિવાસી હિતની વાત કરતી ભાજપ સરકાર માટે શરમજનક છે.