(એજન્સી) ભોપાલ, તા. ૧૯
મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા શિવરાજ સરકાર સામે પરેશાનીઓ જોવા મળે છે. આરએસએસના સર્વેમાં ભાજપની હાલત ઠીક નથી. સંઘે ભાજપને ૭૮ જેટલા વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહીં આપવા ભલામણ કરી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહને બુધની સીટના બદલે ગોવિંદપુર સીટ પર ચૂંટણી લડવા જણાવાયું છે.
એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ આ અંગે ભાજપના કોઈ નેતાનું નિવેદન આવ્યું નથી. પરંતુ સંઘ પરિવારે સત્તારૂઢ દળના ૭૮ ધારાસભ્યોને બદલવા આગ્રહ કર્યો છે. ભાજપની ચૂંટણી સમિતિમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરાશે. અદાલત દોષિત પૂરવાર ન કરે તેને ભ્રષ્ટ નહીં ગણાય. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રદેશ પ્રમુખ રાકેશસિંહ પ્રભારી, વિનય સહસ્ત્ર બુદ્ધ અને મહાસચિવ સુહાસ ભગતે ટિકિટ વહેંચણી અંગે લાંબી ચર્ચા કરી હતી.
રાકેશસિંહે પત્રકારોને જણાવ્યું કે પાર્ટી માત્ર જીતના માપદંડો પર ટિકિટ આપશે. મુખ્યમંત્રી શિવરાજસિંહને ગોવિંદપુર સીટ પર ચૂંટણી લડવા જણાવાશે. જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોર ૮ વાર ધારાસભ્ય તરીકે જીત્યા હતા.