બેંગલોર,તા. ૩૦
મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આવતીકાલે મંગળવારના દિવસે બેંગલોરમાં રોમાંચક જંગ ખેલાનાર છે. બેંગલોર અને મુંબઇ બન્નેને હવે આગામી રાઉન્ડમાં પહોંચી જવા માટે પોતાની તમામ મેચો જીતવી પડશે. વિરોટ કોહલી અને રોહિત શર્મા માટે હવે પોતાની ટીમને સ્પર્ધામાં રાખવાની બાબત પડકારરૂપ બની ગઇ છે. તેની છેલ્લી મેચમાં કોહલીની આગેવાનીમાં બેંગલોરની કોલકત્તા સામે હાર થઇ હતી. ટીમનો કંગાળ દેખાવ રહ્યો હતો. ખાસ કરીને ફિલ્ડિંગ ખુબ ખરાબ રહી હતી.આ પહેલા પણ આઇપીએલ-૧૧મી મેચમાં મુંબઇએ બેંગલોરને ૪૬ રને હાર આપી હતી. તે જોતા બેંગલોરની સામે મુંબઇના ખેલાડી ઉચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં ખુબ પાછળ છે. બેંગલોરે સાત મેચો પૈકી માત્ર બે મેચો જીતી છે. જ્યારે પાંચમાં તેની હાર થઇ છે. મુંબઇની હાલત પણ એવી જ છે. મુંબઇની પણ સાત પૈકી પાંચમાં હાર થઇ છે. બન્ને ટીમોનો દેખાવ હજુ સુધી ખુબ નબળો રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી. જે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાજનક બાબત રહી છે. બીજી બાજુ બેંગ્લોરની ટીમ પણ ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી.વિરાટ કોહલી, ડિવિલિયર્સ સહિતના ખેલાડી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.