(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૦
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના પંચ (યુએસસીઆઇઆરએફ)એ ભારતની લોકસભામાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારા બિલ (સીએબી) સામે વાંધો ઉઠાવ્યો છે. પંચે જણાવ્યું કે નાગરિકતા સુધારા બિલ ‘ખોટી દિશામાં ભરવામાં આવેલું ખતરનાક પગલું ’ છે. પંચે તો એવું કહી દીધું કે જો આ બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઇ જાય છે તો ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય મોટા નેતાઓ સામે પ્રતિબંધ લાદી દેવા જોઇએ. યુએસસીઆઇઆરએફએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે નાગરિકતા સુધારા બિલ લોકસભામાં પાસ થવાની પંચ ભારે ચિંતિત છે. આ બિલમાં ભારતની નાગરિકતા આપવા માટેના કાનૂની ધોરણ કે માપદંડ તરીકે ધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ બાબત કોઇ પણ પ્રકારના ધર્મને ધ્યાનમાં લીધા વગર સમાનતાની ગેરન્ટી આપતા ભારતીય બંધારણ અને બિનસાંપ્રદાયિક બહુમતીવાદના ભારતના સમૃદ્ધ ઇતિહાસની વિરૂદ્ધમાં છે. આ પંચે જ ૨૦૦૨માં ગુજરાતના કોમી રમખાણોને ધ્યાનમાં રાખીને ૨૦૦૫માં તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો વિઝા રદ કરવાની ભલામણ કરી હતી.
યુએસસીઆઇઆરએફ એક સ્વતંત્ર પંચ છે. અમેરિકી સમવાયી સરકારી પંચની ૧૯૯૮માં રચના કરવામાં આવી હતી. પંચ વિદેશમાં ધાર્મિક સ્વતંત્રતાના ભંગની સમીક્ષા કરે છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ, વિદેશ પ્રધાન અને સંસદને નીતિ વિષયક ભલામણો કરે છે. અમેરિકી પંચે એવો ભય પણ વ્યક્ત કર્યો છે કે આસામ અને સમગ્ર ભારતમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ની પ્રક્રિયા દ્વારા ભારત સરકાર ભારતીય નાગરિકતા માટે ધાર્મિક ટેસ્ટનો માહોલ પેદા કરી રહી છે અને આ ધાર્મિક ટેસ્ટ લાખો ભારતીય મુસ્લિમોની નાગરિકતા છીનવી લેશે. પંચે એવું પણ કહ્યું છે કે ભારત સરકાર આશરે એક દાયકાથી પણ વધુ સમયથી યુએસસીઆઇઆરએફના વક્તવ્યો અને વાર્ષિક અહેવાલોની અવગણના કરી રહી છે. આ બિલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્બર સુધી ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લોકોને ભારતીય નાગરિકતા માટે અરજીકરવા પાત્ર બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. અમિત શાહે નાગરિકતા સુધારા બિલને ઐતિહાસિક ગણાવીને સોમવારે જણાવ્યું હતું કે આ ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ભાગ રહ્યો છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણીઓમાં દેશના ૧૩૦ કરોડ લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવીને આની મંજૂરી આપી છે. જોકે, કોંગ્રેસ, ટીએમસી અને અન્ય વિરોધ પક્ષો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે.

નાગરિકતા બિલ : યુરોપિયન યુનિયનના રાજદૂતને આશા છે કે ભારતીય બંધારણના સમાનતાના સિદ્ધાંતને જાળવી રખાશે

લોકસભામાં સોમવારે પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારા બિલ (સીએબી) અંગે પ્રતિક્રિયા આપતા ભારત ખાતેના યુરોપિયન યુનિયનના રાજદૂત યુગો અસ્ટુટોએ મંગળવારે એવી આશા વ્યક્ત કરી છે કે ભારતીય બંધારણના સમાનતાના સિદ્ધાંતને જાળવી રાખવામાં આવશે. આ વિવાદાસ્પદ બિલ બુધવારે બપોરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી ધારણા છે. યુરોપિયન યુનિયનના રાજદૂતે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું કે તાજેતરમાં જ યુરોપિયન સંસદના સભ્યોના પ્રતિનિધિમંડળ દ્વારા જમ્મુ અને કાશ્મીરની લેવામાં આવેલી મુલાકાત યુરોપિયન યુનિયનના નીતિ વિષયક નિર્ણયની જાહેરાત નથી.

અમેરિકી પંચને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી ભારતે કહ્યું, નાગરિકતા બિલની ટીકા બિનજરૂરી

નાગરિકતા સુધારા બિલ (સીએબી)અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે પ્રતિબંધો લાદવાની વિચારણા કરવાનું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી સરકારને અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના પંચ (યુએસસીઆઇઆરએફ) દ્વારા સૂચવવામાં આવ્યાના કલાકો બાદ ભારતે અમેરિકી પંચની પ્રતિક્રિયાને બિનજરૂરી, ખોટી અને અયોગ્ય ગણાવી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારેજણાવ્યું કે નાગરિકતા સુધારા બિલ અંગે અમેરિકી પંચે અપનાવેલું વલણ તેના ઇતિહાસને ધ્યાનમાં રાખીને બિલકુલ ચોંકાવનારૂં નથી. હા, પંચનું આ વલણ નિંદનીય જરૂર છે. કારણ કે પંચ પાસે નાગરિકતા સુધારા બિલ કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) વિશે બહુ ઓછી જાણકારી છે અને થોડીક જાણકારીને આધારે જ પંચે એકતરફી રીતે પોતાનો નિર્ણય લીધો છે. રવીશ કુમારે એવું પણ કહ્યું છે કે અમેરિકી પંચને હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર નથી.