(એજન્સી) તા.૧૭
વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાનની પુત્રી ખતીજાના બુરખા પહેરવા અંગે ટિપ્પણી કરતાં નેટિઝન્સ આશ્ચર્યમાં મૂકાયા હતા. નસરીને કહ્યું હતું કે, જ્યારે તે ખતીજાને બુરખામાં જુએ છે. ત્યારે તે ગૂંગળામણ અનુભવે છે. નોંધનીય છે કે, એક વર્ષ પહેલાં કેટલાક લોકોએ ખતીજાને બુરખો પહેરાવવા બદલ એ.આર.રહેમાનને ટ્રોલ કર્યા હતા. હવે એક વર્ષ પછી તસ્લીમાએ ખતીજાનો બુરખાવાળો ફોટો શેર કરી તેના વિચારો વ્યક્ત કર્યા હતા. નસરીને લખ્યું હતું કે, હું એ.આર.રહેમાનના સંગીતને ખૂબ જ પસંદ કરું છું. પરંતુ જ્યારે હું તેમની દીકરીને જોઉં છું ત્યારે ગૂંગળામણ અનુભવું છું. આ ખરેખર હતાશાજનક છે કે એક સુસંસ્કૃત પરિવારમાં શિક્ષિત મહિલાઓ પણ સરળતાથી ભોળવાઈ જાય છે. આમ તસ્લીમાએ રહેમાનની દીકરીના નામથી નવો વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખતીજા રહેમાને તેમના ઈન્સ્ટાગ્રામ પર તસ્લીમાને પ્રતિક્રિયા આપી તેના ઈરાદાઓ પર ઠંડુ પાણી ફેરવી દીધું હતું. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખતીજાએ આ વાતનો પુનોચ્ચાર કર્યો હતો કે તે તેમની મરજીથી બુરખો પહેરે છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, એક વર્ષ પછી આ મુદ્દો ફરી ઉઠાવવામાં આવ્યો છે… દેશમાં ઘણું બધુ થઈ રહ્યું છે પરંતુ કેટલાક લોકો એક મહિલાના પરિધાન અંગે ચિંતિત છે. દર વખતે આ મુદ્દો ઉઠાવવામાં આવે છે અને હું ગુસ્સાથી ઉકળી ઉઠું છું. હું આ અંગે ઘણું કહેવા માંગું છું. હું પોતાને કમજોર સમજતી નથી કે મારી પસંદગી અંગે મને કોઈ પસ્તાવો નથી. હું જે કાઈપણ કરું છું તેનાથી ખુશ છું અને તેના વિશે ગર્વ અનુભવું છું. વ્હાલી તસ્લીમા નસરીન હું દુઃખી છું કે તમે મારા પરિધાનથી ગૂંગળામણ અનુભવો છો. મહેરબાની કરી થોડી તાજી હવામાં શ્વાસ લો કારણ કે, હું ગૂંગળામણ નથી અનુભવતી પરંતુ હું મારા બુરખા વિશે ગર્વ અનુભવું છું જે મને વધુ સશક્ત બનાવે છે. હું તમને સૂચન કરવા માંગું છું કે સાચો નારીવાદ શું છે તેના વિશે ગૂગલ પર સર્ચ કરો. ખતીજાની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તસ્લીમાને શાંતિથી જવાબ આપી વિવાદ ઊભો કરવાના તેના પ્રયત્નને નિષ્ફળ બનાવવા બદલ લોકો ખતીજાની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.