(એજન્સી) સીરિયા, તા.૮
વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલે મંગળવારે સીરિયાને ધમકી આપતા કહ્યું કે જો સીરિયા તેની ધરતીનો ઈરાનને ઉપયોગ કરવા દેવાનું ચાલુ રાખશે તો તે સીરિયાના રાષ્ટ્રપતિ અલ-અસદનો ખાત્મો કરી નાંખશે. ઈઝરાયેલ ઈરાનને સૌથી મોટો દુશ્મન માને છે અને ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અને સીરિયામાં કાયમી ઉપસ્થિતિ રોકવા માટે સતત કટિબદ્ધતા દર્શાવી છે. ઉર્જામંત્રી યુવલ સ્ટેનિત્જે કહ્યું કે, જો સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ઈરાનને સીરિયાની ધરતી પર કામ કરવા માટે રહેવા દેશે તો ઈઝરાયેલ અસદ શાસનને સમાપ્ત કરી તેમને ખતમ કરી દેશે.
સ્ટેનિત્જે કહ્યું કે, જો અસદ સીરિયાને ઈઝરાયેલની વિરૂદ્ધ ઈરાનને અગ્રીમ મોરચો બનવા દઈ, એમની પર હુમલો કરવા દેવા સીરિયા તેની ધરતીનો ઉપયોગ કરવા દેશે તો એનો ખાત્મો થશે. એમણે કહ્યું કે, અસદ મહેલમાં બેસીને તેમની સરકાર ચલાવતા રહે જ્યારે સીરિયાને ઈઝરાયેલ વિરૂદ્ધ હુમલાનું ઠેકાણું બનવા દે તે અસ્વીકાર્ય છે. સીરિયાના ટી-૪ એરબેઝ પર થયેલા હુમલા બાદ આની શરૂઆત થઈ. હુમલામાં સાત ઈરાની સૈન્ય સલાહકારો અને રિવોલ્યુશનરી ગાર્ડસના સભ્યોનાં મોત નિપજ્યા હતા. ઈરાન મુજબ, આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. પરંતુ ઈઝરાયેલે આ હુમલાની હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી અને ઈન્કાર પણ કર્યો નથી. ઈઝરાયેલને લાગે છે કે ઈરાન ટૂંક સમયમાં જ સીરિયાની ધરતી પરથી ઈઝરાયેલ પર રોકેટ અને મિસાઈલ હુમલા કરશે.