(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે માર્ગને ખોલવા માટે દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે કહ્યું છે. સુનાવણી દરમિયાન મંત્રણાકાર તરીકે સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ સંડય હેગડે અને સાધના રામચંદ્રનના નામ સૂચવ્યા હતા. સાથે જ વજાહત હબીબુલ્લાહ અને ચંદ્રશેખર આઝાદ આ મંત્રણાકારોની મદદ કરશે. દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદાના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડવાની માંગ વાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, વિરોધ પ્રદર્શનનું કારણ કેટલુંય વ્યાજબી કેમ ના હોય, તમે આવી રીતે કોઈ રસ્તો બ્લોક ના કરી શકો. કોર્ટે કહ્યું કે, અમે એવું નથી કહેતા કે, વિરોધ પ્રદર્શનનો અધિકાર નથી, પરંતુ સવાલ એ છે કે વિરોધ પ્રદર્શન ક્યાં કરવા જોઈએ. આજે અહીં પ્રદર્શન થઈ રહ્યું છે, કાલે બીજે ક્યાંય થશે. જો આવું જ રહેશે, તો શહેરના વિભિન્ન વિસ્તારો બ્લોક થઈ જશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, લોકોને પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ રોકવાનો હક્ક નથી. જસ્ટિસ એસ કે કૌલે જણાવ્યું કે, લોકતંત્ર વિચારોની અભિવ્યક્તિ પર કામ કરે છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપી છે. હવે તેના પર વધુ સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ થશે. અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ રોડ પર ચક્કાજામ કરીને લોકો માટે મુશ્કેલીના ઉભી કરી શકે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસને નોટિસ ફટકારી હતી. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની પીઠે જણાવ્યું હતું કે, એક કાયદો અને લોકોની તેના વિરૂદ્ધ ફરિયાદ છે. કેસ અદાલતમાં પેન્ડિંગ છે. આમ છતાં કેટલાક લોકો પ્રદર્શન કરી રહ્યાં છે. તેમને પ્રદર્શન કરવાનો અધિકાર છે. પીઠનું કહેવું હતું કે, તમે રોડ બ્લોક ના કરી શકો. આવા વિસ્તારમાં અનિશ્ચિત સમય સુધી પ્રદર્શન ના થઈ શકે. જો તમે પ્રદર્શન કરવા માંગો છે, તો આ માટે કોઈ સ્થળ નક્કી કરીને ત્યાં કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, શાહીન બાગમાં લાંબા સમયથી પ્રદર્શન ચાલી રહ્યું છે, પરંતુ તે બીજા માટે અસુવિધા સર્જી ના શકે. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે, તેઓ બીજા પક્ષને સાંભળ્યા વિના કોઈ આદેશ આપી ના શકે.

શાહીનબાગ : વાતચીત
કરવાની ભૂમિકા મંત્રણાકારોએ સ્વીકારી, સદ્‌ભાવનામાં મુદ્દે ઉકેલાવાની આશા દર્શાવી

શાહીનબાગના વિરોધ પ્રદર્શન અને ધરણા અન્યત્ર ખસેડવા કે જ્યાં જાહેર માર્ગો અવરોધાય નહીં તેની પ્રદર્શનકારીઓ સાથે મંત્રણા કરવા માટે સાધના રામચંદ્રન સાથે નિમાયેલા મંત્રણાકાર સિનિયર એડવોકેટ સંજય હેગડેએ ભૂમિકા સ્વીકારતું નિવેદન આપતા કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી જવાબદારી મારા સાથી સાધના રામચંદ્રન અને મેં સ્વીકારી છે. અમે વિરોધ પ્રદર્શનના અધિકાર તથા જાહેર જીવનની યોગ્ય જરૂરીયાતોને સન્માન તથા સુરક્ષા મળે તે હેતુથી મુદ્દાઓને ઉકેલવા માટે તેમની દોરવણી કરવા તમામ પક્ષકારો સાથે બેઠક કરીશું. અમને આશા છે કે, અમારી દોરવણી સદ્‌ભાવનામાં ઉકેલાય અને તમામ પક્ષોને સંતોષ મળે. સુપ્રીમ કોર્ટે શાહીનબાગના પ્રદર્શન અંગે થયેલી અરજીની સુનાવણી કરતા કહ્યું હતું કે, વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર બંધારણમાં છે પરંતુ તેના માટે માર્ગો જામ કરી શકાય નહીં. જો કે, આ મુદ્દાને ઉકેલવા માટે સર્વોચ્ચ અદાલતે મંત્રણાકારોની નિમણૂંક કરી છે જેઓ આ પ્રદર્શન સ્થળને અન્યત્ર ખસેડવામાં મધ્યસ્થી તરીકે વાતચીત કરી શકે.

શાહીનબાગ મામલે સુપ્રીમની સુનાવણી અને પૂર્વ IASના ટવીટથી અમિત શાહની પોલ ખુલી

શાહીનબાગમાં સીએએ અને એનઆરસીના વિરોધ મુદ્દે અમિત શાહના દાવાની પૂર્વ આઇએએસ અધિકારી ગોપીનાથે પોલ ખોલીને મુકી દીધી છે. પૂર્વ આઇએએસ કન્નન ગોપીનાથે કહ્યું છે કે, ત્રણ દિવસ પહેલા સીએએ અને એનઆરસીના મુદ્દે મેં અમિત શાહ પાસે એપોઇન્ટમેન્ટ માગી હતી પરંતુ ત્રણ દિવસ બાદ પણ તેમને મળવા માટે એપોઇન્ટમેન્ટ અપાઇ ન હતી. ગોપીનાથ કન્નને કહ્યું કે, સીએએ, એનઆરસી અને એનપીઆર મુદ્દે ચર્ચા કરવા માટે મેં તેમની પાસે મળવાનો સમય માગ્યો હતો. ગૃહમંત્રીએ એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર વાયદો કર્યો હતો કે, જે તેમની સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતા હોય તેઓ મારી પાસે મળવાનો સમય લઇ શકે છે અને હું તેમને ત્રણ દિવસમાં મળવાનો સમય આપીશ. મળવા માટે સમય માગ્યો અને ત્રણ દિવસ બાદ પણ તેમની તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, અમિત શાહના શબ્દો પર વિશ્વાસ કરવા જેવો નથી. તેઓ એક જવાબદાર પદ પર બેઠા હોવા છતાં નેશનલ ટીવી પર બેજવાબદારીભર્યું નિવેદન આપે છે. હું આ અંગે હવે કોઇ વિનંતી કરીશ નહીં પણ અમને લોકશાહીમાં આનાથી એક પાઠ શીખવા મળ્યો છે.