(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
દેશના કેટલાક રાજ્યોની સાથે-સાથે ગુજરાતમાં પણ ખેડૂતોનું આંદોલન આગળ જતા સક્રિય બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થવા પામ્યો છે. સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરવાની માગ સાથે શરૂ થયેલ આંદોલનની અસરો ગુજરાતમાં પડતા તેની સાથે સ્થાનિક પ્રશ્નોને પણ નારાજ ખેડૂતો મોટાપાયે તેમાં જોડાય અને આગળ જતાં આંદોલન વકરે તેના ભયે સરકારે હમણાંથી જ ગતિવિધિ તેજ બનાવી આઈબી વગેરે એજન્સીને કામે લગાડી દીધી છે.
દેશભરના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સ્વામીનાથન કમિશનની ભલામણો લાગૂ કરવાની માગ સાથે ૧ જૂનથી શરૂ થયેલું ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ૧૦મી જૂન સુધી ચાલશે. આ દરમિયાન ખેડૂતો અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાતમાં પણ ખેડૂતોના આંદોલનની અસર જોવા મળી રહી છે. ગઈકાલે અમરેલીમાં થયેલા વિરોધ બાદ આજે ભાવનગર, ગીર-સોમનાથ સહિત જગ્યાએ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોના આંદોલનને પગલે સરકાર હરકતમાં આવી છે. તેમજ આઈબીને ખેડૂતોના આંદોલન પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
ભાવનગરના પાડવા ખાતે જમીન સંપાદન મામલે ચાલી રહેલી લડતમાં આજે બાડી ગામ ખાતે ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલાં પણ ખેડૂતો અનેક વખત વિરોધ નોંધાવી ચૂક્યા છે. પરંતુ આ વખતે ખેડૂતોએ અલગ જ રીતે જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો છે.
ગીર-સોમનાથમાં ખેડૂતોએ પોષણક્ષમ ભાવ નહીં મળતા અન્ય રાજ્યમાં ચાલી રહેલા પ્રદર્શનની જેમ વિરોધ કરવાનું નક્કી કર્યું છે. સરખડી ગામે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં ખેડૂતોએ દૂધ અને શાકભાજી નહીં વેચવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં ખેડૂતોની નારાજગીને લઈને સરકારે આઈબીને કામે લગાવી છે. જિલ્લાઓમાં ખેડૂતોના નાના-નાના વિરોધ પ્રદર્શનની માહિતીની સાથે-સાથે ખેડૂતોના મોટા સંમેલનની માહિતી આપવા પણ સૂચના આપવામાં આવી છે. ખેડૂત આંદોલનમાં ખેડૂતો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે કે અન્ય રાજકીય સંગઠનના નેતાઓના કહેવાથી વિરોધ કરી રહ્યા છે. તે અંગે પણ માહિતી એકત્ર કરવા કહેવાયું હોવાનું જાણવા મળેલ છે. એટલે કે સરકાર હમણાંથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે.