(એજન્સી)
અમરાવતી (મહારાષ્ટ્ર), તા. ૫
મહારાષ્ટ્રના અમરાવતીમાં ખેડૂતોના મુદ્દાઓ પર આંદોલન કરી રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ સોમવારે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરીની નજીક બંને ધારાસભ્યોએ પોતાના પર કેરોસીન રેડીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની સતર્કતાથી તેમને રોકી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વીરેન્દ્ર જગતાપે ભાજપ સામે ખેડૂતો પ્રત્યે ઉદાસીન હોવાનો આરોપ મૂક્યો છે. જગતાપે કહ્યું કે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે. તેમની પાસે ખરીફ સિઝનમાં ખેતી કરવા માટે નાણાં નથી. સરકારની કિસ્મત સારી છે કે ખેડૂતો શાસક પક્ષના પ્રધાનો અને ધારાસભ્યોને આઝાદ ફરવા દઇ રહ્યા છે. તેમણે એવી પણ ચેતવણી આપી કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો ખેડૂતો પ્રધાનો અને ધારાસભ્યોને સ્વતંત્ર ફરવા દેશે નહીં.
નાયબ પોલીસ કમિશનર ચિન્મય પંડિતે જણાવ્યું કે ધમનગાંવ રેલવે અને તેઓના મતવિસ્તારોના ધારાસભ્યો વીરેન્દ્ર જગતાપ અને યશોમતી ઠાકુરની પોતાના શરીર પર કેરોસીન નાખવા અને આગ ચાંપતા પહેલાં જ અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જગતાપે એજન્સીને જણાવ્યું કે સ્થાનિક કોંગ્રેસ એકમ તાજેતરમાં જ જિલ્લા પ્રશાસનને કહ્યું હતું કે તે કૃષિ પેદાશોની બજાર સમિતિને નિર્દેશ આપે કે તે તુવેર અને ચણા દાળની ખરીદી શરૂ કરે.
કોંગ્રેસના ધારાસભ્ય વીરેન્દ્ર જગતાપે જણાવ્યું કે પાર્ટીએ એવી પણ માગણી કરી હતી કે ખેડૂતોને પહેલાં જ ખરીદવામાં આવેલા પાકના ત્રણ મહિનાની બાકી રકમની ચૂકવણી કરવામાં આવે. તેમણે કહ્યું કોઇ જવાબ નહીં મળ્યો હોવાથી અમે જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ યોજીને પ્રશાસન સામે પ્રદર્શન કર્યું. બંને ધારાસભ્યોએ કલેક્ટર કચેરીની સામે જ આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી.