(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત સાત રાજ્યોમાં શુક્રવારથી શરૂ થયેલા ખેડૂતોના ૧૦ દિવસના આંદોલનને પગલે પ્રથમ દિવસે ખેડૂતોએ હજારો ટન શાકભાજી અને હજારો લિટર દૂધ માર્ગો પર ફેંકી દેવામાં આવ્યું હતું. ગાંવ બંધના નામે ચલાવાયેલા ઉગ્ર આંદોલનમાં સંપૂર્ણ લોન માફી, પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ અને સરકાર તરફથી ઓછામા ઓછી કાયમી આવકનું આશ્વાસન મળવું જોઇએ. ૧૩૦ ખેડૂત સંગઠનોના સંઘ રાષ્ટ્રીય કિસાન મહાસંઘ (આરકેએમ) દ્વારા ફેલાવાયેલા આંદોલનમાં સ્પષ્ટ રીતે કહી દેવાયું છે કે, આગામી ૧૦ દિવસોમાં ખેડૂતો શહેરોમાં કોઇપણ પ્રકારની શાકભાજી અને દૂધ ઉત્પાદનો પહોંચાડવામાં નહીં આવે. કિસાન સંઘે કહ્યું છે કે, ખેડૂતો કોઇ પણ માર્ગોને અવરોધે નહીં પરંતુ તેઓ દેશના ૩૦ મોટા હાઇવે પર ધરણા કરશે જેથી ટ્રાફિક જામ થવાની શક્યતા રહેલી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. આ આંદોલન જે સાત રાજ્યોમાં ચલાવવામાં આવશે તેમાં હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, મહારષ્ટ્ર, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે. પંજાબમાં લીલી પાઘડી પહેરેલા ખેડૂતો માર્ગો પર શાકભાજી, તાજા ફળો અને દોહેલા દૂધના જથ્થાને ફેંકતા કેટલાક વીડિયોમાં જણાયા હતા. મહારાષ્ટ્રા નાસિક નજીકના હાઇવે પર દૂધ અને ટામેટા મોટા પ્રમાણમાં ઠાલવી દેવાતા દૂધ શેરીઓમાં રેલાયું હતું.
૨. આંદોલનના પ્રથમ દિવસે અમૃતસરને બાદ કરતા આખા પંજાબમા કોઇપણ પ્રકારન સામગ્રી પહોંચાડવામાં આવી નહોતી. હરિયાણામાં ૪૦-૫૦ ટકા સપ્લાય ઓછી થઇ હતી. રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, ઝુનઝુનુમાં દૂધની સપ્લાય સંપૂર્ણ પણે બંધ રહી હતી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં શાકભાજીના ભાવો પ્રથમ દિવસે જ ૪૦૦ ટકા વધી ગયા હતા જ્યારે ભોપાલ અને અન્ય શહેરોમાં તેના ભાવોમાં ૭૦-૮૦ ટકાનો વધારો થયો હતો. નાસિકની મંડીમાં સવારે ફક્ત ત્રણ ટ્રક પહોંચી શક્યા હતા જ્યારે અહીં દરરોજ ૩૦૦ ટ્રકોની જરૂર પડે છે.
૩. ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો મંજૂર કરવાની માગ કરી છે જેમાં ઓછામાં ઓછા ટેકાના ભાવો જેમાં દૂધના ભાવો સરકાર તરફથી ઓછામાં ઓછા ૨૭ રૂપિયા મળવા જોઇએ આ ઉપરાંત ખેડૂતોની એક વખતમાં લોન માફીની માગનો સમાવેશ થાય છે.
૪. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના અધ્યક્ષ શિવકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આ આંદોલન હવે દેશવ્યાપી આંદોલન બનવા જઇ રહ્યું છે. આ દેખાવોને અમે ગાંવ બંધ દેખાવ નામ આપ્યું છે. અમે શહેરોમાં જવા માગતા નથી કારણ કે અમે સામાન્ય જનજીવન ખોરવવા માગતા નથી. અમે નક્કી કર્યું છે કે, ૧૦મી જુને બપોરે બે વાગ્યા સુધી ભારત બંધની જાહેરાત કરીશું જેમાં અમે ઉદ્યોગપતિઓ અને દુકાનદારોને બપોર સુધી દુકાનો બંધ રાખવા માટે અપીલ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે, જેને શાકભાજી કે દૂધ જોઇતા હોય તેઓ ગામ સુધી આવી જાય તો તેમને મળી જશે.
૫. આ આંદોલન મધ્યપ્રદેશના મંદસૌરમાં ગયા વર્ષે ૬ જુનના રોજ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલ સાત ખેડૂતોની વરસી સાથે આંદોલન કરવાની પણ ગણતરી હતી. આમ કિસાન સંઘના અધ્યક્ષ કેદાર સિરોહીએ જણાવ્યું હતું કે, સરકાર યોગ્ય માગણીઓ સાથે દેખાવો કરી રહેલા લોકો પર લાઠીઓ અને ગોળીઓ વરસાવે છે. છ જુનનો દિવસ ખેડૂતો માટે કાળો દિવસ છે. આગામી ૧૦ દિવસ માટે ગામોમાંથી શહેરોમાં કાંઇ પણ પુરવઠો પુરો પાડવામાં નહીં આવે. આ ઉપરાંત શહેરોમાંથી પણ કોઇ પુરવઠો ગામમાં લવાશે નહીં.
૬. ગયા વર્ષે મંદસૌર ખેડૂતોના આંદોલનનું એપિસેન્ટર બની ગયું હતું જ્યારે સેંકડો ખેડૂતો ટેકાના ભાવો અને લોન માફીની માગ સાથે ઉતરી ગયા હતા. આ દેખાવો ત્યારે હિંસક બની ગયા હતાજ્યારે પોલીસે દેખાવકારો પર સીધું ફાયરિંગ કર્યું હતું. પાંચ ખેડૂતો ઘટનાસ્થળે જ મોત પામ્યા હતા જ્યારે અન્ય બે સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. ઘટના બાદ સમગ્ર રાજ્યમાં દેખાવો શરૂ થઇ ગયા હતા જ્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હિંસા બંધ કરવા માટે શાંતિ ઉપવાસ કર્યા હતા.
૭. મંદસૌરની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવા ભયે વહીવટી તંત્રે યોગ્ય બંદોબસ્ત ગોઠવી દીધું છે. કેટલાક ખેડૂત સંગઠનોએ એવી બાંહેધરી આપી છે કે, તેઓ કોઇ હિંસામાં ભાગ નહીં લે.
૮. મધ્યપ્રદેશના પ્રવાસે ગયેલા રાજનાથસિંહે આ આંદોલનને કોંગ્રેસનું આંદોલન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે અને તેણે તેમના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે.
૯. આરોપોનો જવાબ આપતા કોંગ્રેસના રાજ્યમાં નવા નિમાયેલા અધ્યક્ષ કમલનાથે કહ્યું હતું કે, એ વાત આશ્ચર્યજનક છે કે જે સરકાર ખેડૂતો પર ગોળીબાપ કરવાનો આદેશ આપે છે તે હવે અન્ય પાર્ટી પર આરોપ ફેરવવાના પ્રયાસ કરે છે.
૧૦. કેટલાક મહિના અગાઉ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાથી આશરે ૧૮૦ કિલોમીટર ચાલીને હજારો ખેડૂતો મુંબઇ શહેરમાં પ્રવેશ્યા હતા, તેઓ સરકાર સામે પોતાની માગ પુરી કરવા અંગે આંદોલન કરી રહ્યા હતા. દેવેન્દ્ર ફડનવીસે આ માગો પુરી કરવા સહમતી દર્શાવી હતી. જોકે, ખેડૂતો હજુ પણ ગાંવ બંધ આંદોલનને સમર્થન આપ્યું છે.