(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
દેવાદાર બનેલા ખેડૂતોની સમસ્યા વર્ષોથી વણઉકેલાયેલી છે. લગભગ સવા ત્રણ લાખ ખેડૂત આત્મહત્યાઓ કરી ચૂક્યા છે અને આ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં મધ્યપ્રદેશના નરસિંહપુરમાં આર્થિક તંગી અને દેવાના લીધે રર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જ્યારે બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલ ખેડૂત આંદોલન ફરી એકવાર લંબાઈ રહ્યું છે. ખેડૂતોના દેશવ્યાપી પ્રદર્શન છતાં તેમની માંગો પ્રત્યે આંખ આડા કાન કરાયા છે અને તેમની સમસ્યાઓમાં કોઈ સુધાર નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ર૦ નવેમ્બરના રોજ દિલ્હીમાં ૧૮૦ ખેડૂત સંગઠનોએ મળી કિસાન મુક્તિ સંસદનું આયોજન કર્યું છે જેમાં હજારો ખેડૂતો જોડાય તેવી સંભાવના છે.
તમિલનાડુના ખેડૂતોએ પણ કહ્યું છે કે, તેઓ રાષ્ટ્રીય પાટનગરમાં ત્રીજા તબક્કાનું વિરોધ પ્રદર્શન શરૂ કરવા વિચારી રહ્યા છે. મહારાષ્ટ્રના મરાઠાવાડામાં આર્થિક સમસ્યાઓને કારણે આત્મહત્યા કરનાર ખેડૂતોની સંખ્યા જાન્યુઆરીથી અત્યાર સુધી ૮૧૪ પહોંચી છે. જ્યારે અન્ય એક રિપોર્ટ મુજબ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૦ મહિનાઓમાં મહારાષ્ટ્રમાં ર,૪૧૪ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
સમગ્ર દેશના ખેડૂતો નવી દિલ્હીમાં ર૦ નવેમ્બરથી અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના નેતૃત્વ હેઠળ ખેડૂતો બે દિવસીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પોતાના ઉત્પાદનો માટે યોગ્ય વળતર અને દેવામુક્તિની માંગ હશે. આ સાથે ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે સૌવિધાનિક સંસ્થાગત તંત્ર સ્થાપવાની પણ માંગ કરવામાં આવશે.
અખિલ ભારતીય કિસાન સભાના અધ્યક્ષ અશોક ધાવલેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન વચન આપ્યું હતું કે, જો તેઓ ચૂંટાશે તો ખેડૂતોને તેમના પાકનું સારું વળતર મળશે અને આયોગની ભલામણોને લાગુ કરવામાં આવશે.