જૂનાગઢ,તા.રર
જૂનાગઢ જિલ્લાના બિલખા પોલીસ સ્ટેશન વિસ્તારના મંડલીકપુર ગામે વ્યાજખોરીના કારણે ઝેરી દવા પી મોતને મીઠું કર્યાનો બનાવ બનવા પામેલ છે. આ અંગે મૃતકના ભાઈએ પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વાસુરભાઈ કાથડભાઈ મેર (નવા વાઘણિયા, તા. ભેંસાણ, જિ. જૂનાગઢ)એ પોલીસમાં એવા મતલબ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ ભરતભાઈ કે જેણે આજથી ચારેક વર્ષ પહેલા રૂા. ર લાખ હાથ ઉછીના લીધેલ હોય અને તેનું વ્યાજ ચડાવી ભેંસાણ ગામે રહેતા વલ્લભભાઈ રૂપારેલિયા કે જેણે ૧૯ લાખ રૂપિયા રકમના કરેલ હોય અને તેના સમાધાન પેટે ફરિયાદીના ભાઈએ રૂા. ૪૦ લાખમાં તેની ૧૬ વિઘા જમીન જે વેચાણ કરેલ હોય તેનો દસ્તાવેજ વલ્લભભાઈ રૂપારેલિયાએ કરી લઈ અને તેના રૂા. ૪૦ લાખ આપેલ ન હોય અને જેના કારણે મૃતકને માનસિક ત્રાસ હોય જે ત્રાસ સહન ન થતાં ભરતભાઈ કાથડભાઈ મેરે ઝેરી દવા પી લેતાં તેઓનું મૃત્યુ થયું છે. આ બનાવમાં ભેંસાણના વલ્લભભાઈ રૂપારેલિયાએ પોતાના ભાઈને દવા પીવા મજબૂર કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે વલ્લભભાઈ રૂપારેલિયા વિરૂદ્ધ કલમ ૩૦૬ હેઠળ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બિલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. ઓડેદરા ચલાવી રહ્યા છે.