(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૪
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની હિન્દુસ્તાન કેમિકલ્સ પ્રા.લિ. (સાઈનાઈડ કંપની) દ્વારા ભરૂચ જિલ્લામાં બારોબાર ઝેરી રસાયણનો કચરો ઠાલવતા ટેન્કર ઝડપાઈ ગયું છે.જેથી ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કંપનીના અધિકારીઓ કર્મચારીઓ સામે સખત પગલા ભરવા ભરૂચ-સુરત કલેક્ટર તેમજ જીપીસીબીને આવેદનપત્ર આપીને જીવતા બોમ્બ સમાન આ કંપનીને કાયમ માટે બંધ કરવા રજૂઆત કરી છે.
ખેડૂત સમાજ ગુજરાતના આગેવાન જયેશ પટેલ, જયેશ પાલ, દર્શન નાયક સહિતના ખેડૂત આગેવાનો આજે સુરત જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની લી.ઓલપાડ સુરત ખાતે સાઈનાઈડના ભયાનક કેમિકલ્સ બનાવે છે. આ કંપનીએ ૩ ટ્રક ઝેરી જાખમી રાસાયણિક ઘન કચરો ભરૂચ જિલ્લાના ઉમલ્લા તાલુકાના વણખૂંટા ગામે નાખેલ હતો. તે કચરો ઠાલવતા રંગે હાથ ગામના લોકો દ્વારા પકડી પાડવામાં આવેલ છે. ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં આ સાઈનાઈડ યુક્ત કચરો નાખવા બદલ હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની, તેમજ ટ્રક ડ્રાઈવર અને અંકલેશ્વરના કોઈ વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.આ બાબતે જીપીસીબીએ ફરિયાદ દાખલ કરેલ છે જેમાં કંપનીના તમામ ડાયરેક્ટરના નામો દાખલ કરી તેમને જેલભેગા કરવા માંગ છે. આ ગુનામાં સંડોવાયેલ તમામ ટ્રકના માલિકો, ડ્રાઈવરો, વેપારીઓ, આ પ્રકારની ગેર કાનૂની કાર્યવાહીમાં સંડોવાયેલા કંપનીના અધિકારી એ.કે. સિંઘ તેમજ ખોટા બિલો કાગળો તૈયાર કરનાર કંપનીના કર્મચારીઓ પર ગુનો નોંધવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવાની અમારી માંગ છે.
આ ઝેરી રાસાયણિક સાઈનાઈડ યુકત કચરો માનવ જાત માટે ખૂબ જ ગંભીર રોગોનું કારણ બને છે. આથી કંપનીના તમામ માલિકો અને સંડોવાયેલ તમામ આરોપીઓની સામે ૩૦૭ની કલમ અને ૧૨૦ બીની કલમ લગાડવામાં આવે. અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના ગોરખધંધા કરવા બદલ કંપની સામે જીપીસીબી તેમજ જિલ્લા કલેક્ટર ભરૂચ દ્વારા કડક કાર્યવાહી કરવાની અમારી માંગ છે.
આ કંપની સામે એનજીટીમાં કેસ પણ દાખલ કરવામાં આવેલ હતો અને તેનું ઈસી રદ્દ થયેલું હતું. રાજ્ય સરકારે ખાસ કમિટી રચી તેને એક્શન પ્લાન પણ પાલન કરવા માટે આપેલ હતો. તેમ છતાં આ કંપનીએ દરકારી બતાવેલ છે અને કાયદા કાનૂન તેમજ સરકારની સૂચના ઘોળી પી ગયેલ છે. આ કંપની સામે ઓલપાડ તાલુકાની જનતાએ ખૂબ વિશાળ આંદોલન પણ કરેલ હતું સમગ્ર ઓલપાડ તાલુકાની જનતાના માથે જીવતા બોમ્બ સમાન અને ભોપાલ જેવી દુર્ઘટના કરી શકવામાં સક્ષમ આ કંપનીને બંધ કરી દેવા માંગ કરવામાં આવેલ હતી. ૪૧ જેટલી ગ્રામ પંચાયતોએ ઠરાવ કરી આ કંપની દૂર કરવાની માંગ કરવા છતાં સરકારે કોઈ જ પગલા ભરેલ ના હતા. એક ઉદ્યોગપતિના હિતને વધુ મહત્ત્વ આપી સરકારે ઓલપાડ તાલુકાની જનતાની માંગને ફગાવી દીધી હતી. આજે ઓલપાડ નગરની વચ્ચોવચ આ કંપની ચાલે છે અને ૨૦ હજાર લોકોને માથે મોતનો ખતરો કાયમ ઊભો રહેલ છે. કંપનીના માલિકોએ ગુજરાત બહાર બેસી ગુજરાતના લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું અને કેન્સર જેવી જીવલેણ બીમારી આપવાનું કામ કરેલ છે. જે આજરોજ સાબિત થયેલ છે. આમ પર્યાવરણ સરકાર અને પ્રજા સાથે દ્રોહ કરતી કંપનીને ગુજરાતમાંથી દૂર કરવું જરૂરી બને છે. આ કંપનીને અહીંથી કાયમ માટે બંધ કરી ઓલપાડ તાલુકાની જનતા તેમજ ગુજરાત રાજ્યની જનતાનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પાસે અમારી માંગ છે.