(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૩૧
રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ એક તરફ કુદરતે અપૂરતો વરસાદ વરસાવ્યો છે ત્યારે બીજી તરફ નર્મદા કેનાલોમાંથી સિંચાઈનું પાણી ન મળે ત્યારે ખેડૂત તો જાય તો ક્યા જાય વળી પાક નિષ્ફળ જાય તો પણ વીમા કંપની પાકનો વીમો ચૂકવતી ન હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી છે. આર્થિક સંકડામણ અને માથે વધતા દેવાના બોજથી ત્રસ્ત જગતનો તાત હતાશ-નિરાશ થઈ જીવનનો અંત આપવા મજબૂર બને છે. રાજ્યમાં તો આવા ખેડૂતો ઘણા છે. અલબત્ત સુરેન્દ્રનગર જિલ્લામાં જ છેલ્લા એક માસમાં ખેડૂત આપઘાતનો બીજો બનાવ બનાવ બન્યો છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના અનેક તાલુકાને અછતગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે છતાં હજુ સુધી ખેડૂતોને અને માલધારીઓને લાભ મળવો જોઈએ તે મળતો નથી.
ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના સરલા ગામે ઉધડ ઉપર જમીન વાવતા એક ખેડુતનો પાક નિષ્ફળ જતાં હતાશામાં ધકેલાયેલ ભાગીયા ખેડૂત પીતાંબરભાઈ મંગાભાઈ ઝાલા (રે. સરલા તા. મુળી ઉંમર ૩૫)એ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું ત્યારે તેના શબને પીએમ માટે મુળી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ બનાવને પગલે કિસાન આલમમાં ચિંતા સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો અને પશુ પાલકોની સ્થિતિ અત્યંત વિકટ બની છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં મોટા ભાગના ખેડૂતોનો ખેતીનો આધાર વરસાદ ઉપર રહેલો છે ત્યારે આ વર્ષે ઝાલાવાડ પંથકમાં ૭ તાલુકાઓમાં તો ૧૨૫ મીમી કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. અહીં સુરેન્દ્રનગર જીલ્લામાં નર્મદાની કેનાલો છે પણ તેમાં પણ પાણી સરકાર દ્વારા આપવામા આવતું નથી રોજ અલગ અલગ તાલુકાઓમાં સરકાર સામે સૂત્રોચાર કરી ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જે સુરેન્દ્રનગર જિલ્લાની કેનાલમાં પાણી આપે તેમાં ગાબડાં ઓ પડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ત્યારે ઝાલાવાડ પંથકમાં બે માસમાં ૨ ખેડૂતોએ પોતાનો પાક અને પોતાના પર દેવું વધી જતાં આત્મહત્યા કરી લીધી છે ત્યારે આગામી સમયમાં શું સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે કે કેમ તેવી આશાઓ ખેડૂતો રાખીને બેઠા છે.